અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં શાળા સંચાલને વિદ્યાર્થીને શાળામાંથી ડિસમિસ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ વિભાગે પણ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
અપશબ્દો બોલવા બદલ ટોકતાં વિવાદ
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી વર્ગખંડમાં અપશબ્દો બોલી રહ્યો હતો. આ દરમિયાન ત્રણ વિદ્યાર્થિનીઓએ તેને આવું ન કરવા માટે રોક્યો હતો. આ બાબતે વિદ્યાર્થી ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તેણે ત્રણેય વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરી હોવાની માહિતી છે.
ઘટના બાદ સ્થાનિક લોકોએ વિદ્યાર્થીને પકડીને શાળા સંચાલકો સમક્ષ પહોંચાડ્યો હતો. શાળાએ તેના માતા-પિતાને જાણ કરીને બોલાવ્યા હતા. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને સંચાલકોએ વિદ્યાર્થી સામે શિસ્તભંગની કાર્યવાહી કરી અને તેને શાળામાંથી ડિસમિસ કરવાનો નિર્ણય લીધો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
DEOએ તપાસના આદેશ આપ્યા
મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શાળામાં બનેલી ઘટનાની હકીકતો તપાસવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ કેસમાં પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થી અને ત્રણેય વિદ્યાર્થિનીઓ એક જ ધોરણમાં અભ્યાસ કરતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે DEOની તપાસ અને પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.
