અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 ખાતે પ્લેટફોર્મ વોલ બનાવવાની કામગીરીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2026 સુધી ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અસારવા તરફ આવતી-જતી કેટલીક ટ્રેનો રદ રહેશે અથવા તેમનું સંચાલન નરોડા સ્ટેશન સુધી મર્યાદિત રહેશે.
બે મેમૂ ટ્રેનો સંપૂર્ણ રદ
ટ્રેન નંબર 69245 અસારવા–હિંમતનગર મેમૂ 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 69246 હિંમતનગર–અસારવા મેમૂ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
ઇન્દોર એક્સપ્રેસનું સંચાલન નરોડાથી
ટ્રેન નંબર 19315 ઇન્દોર–અસારવા વીર ભૂમિ એક્સપ્રેસ 30 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર દરમિયાન અસારવા સુધી નહીં આવે અને નરોડા સ્ટેશન પર તેની મુસાફરી પૂર્ણ થશે. તેના પરત પ્રવાસની ટ્રેન નંબર 19316 અસારવા–ઇન્દોર વીર ભૂમિ એક્સપ્રેસ 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન અસારવાને બદલે નરોડા સ્ટેશનથી ઉપડશે.
આ ઉપરાંત ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા–અસારવા સ્પેશિયલ 1 ઓક્ટોબરના રોજ અસારવા સુધી નહીં આવે અને નરોડા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. મુસાફરોએ આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતાં પહેલાં ટ્રેનનું સુધારેલું સંચાલન અને પ્રસ્થાન સ્ટેશન તપાસી લેવું જરૂરી છે.
અસારવા સ્ટેશન પર નવી સ્ટેશન ઇમારત, પોર્ચ, પ્રતીક્ષા રૂમ, બુકિંગ કાઉન્ટર અને શૌચાલય બ્લોકનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્લેટફોર્મ શેલ્ટર, પ્લેટફોર્મ સરફેસિંગ, પાર્કિંગ અને દિવ્યાંગ મુસાફરો માટેની સુવિધાઓ સહિતના કેટલાક કામો પણ વિકાસ હેઠળ છે.
