અમદાવાદમાં સોમવાર, 9 નવેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અંદાજે રૂ. 1,400 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું અને કેટલાક કામોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રકલ્પોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલાં કામોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. શાહે જણાવ્યું કે આ વિસ્તારની AMC સંચાલિત પ્રાથમિક શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવામાં આવી છે. તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને કાયમી આવાસ આપવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. આ પ્રકલ્પ સંપૂર્ણ અમલમાં આવશે ત્યારે 55 હજારથી વધુ લોકોને એક જ સંકુલમાં સામાજિક સુરક્ષા, મનોરંજન, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળી શકશે, એમ તેમણે કહ્યું.

બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પહાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત પણ થયું. આ ઉપરાંત ચાર કિલોમીટર લાંબા ઇસ્કોન ઓવરબ્રિજનું કામ શરૂ થયું હોવાનું કાર્યક્રમમાં જણાવાયું. આ કામ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગશે; ત્યારબાદ સરખેજથી ગાંધીનગર સુધીની મુસાફરીનો સમય ઘટશે, એવો શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો.

શાહે કહ્યું કે સોમવારના પ્રકલ્પો સહિત છેલ્લા સાત વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂ. 25,000 કરોડનાં વિકાસકાર્યો પૂર્ણ થયાં છે. તેમણે ‘ગ્રીન ગાંધીનગર અને વિકસિત ગાંધીનગર’નું લક્ષ્ય સાકાર કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.

ડ્રગ-ફ્રી ગુજરાત માટે 2028ની સમયમર્યાદા

વિકાસકાર્યોના કાર્યક્રમમાં શાહે ડ્રગ્સ સામેની લડાઈમાં નાગરિકો, શિક્ષકો અને વાલીઓનો સહયોગ માગ્યો. કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર 2029 સુધીમાં ડ્રગ-ફ્રી ભારતનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે ગુજરાત માટે 31 ડિસેમ્બર 2028 પહેલાંનું લક્ષ્ય હાંસલ કરવાની અપીલ તેમણે કરી. ડ્રગ્સના વેચાણ કે વપરાશ અંગે માહિતી આપવા 1033 નંબર પર જાણ કરી શકાય છે; માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને કાર્યવાહી કરાશે, એમ ગૃહ મંત્રીએ જણાવ્યું.