અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિવિધ વિભાગો પાસેથી માંગેલી માહિતી સમયસર ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મેયર હિતેશ બારોટ સમક્ષ રજૂઆત દરમિયાન આરોગ્ય, ફૂડ, એસ્ટેટ, પાણી અને ડ્રેનેજ સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.

જમાલપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ડો. નાઝનીન ઠાકોરે જણાવ્યું હતું કે ફૂડ વિભાગની એનાલોગ પનીર સંબંધિત કામગીરી અંગે માહિતી માગવા છતાં જવાબ આપવામાં આવતો નથી. તેમણે જમાલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાનો દાવો કર્યો હતો અને દિવસ દરમિયાન પણ ટેન્કરથી પાણી પહોંચાડવાની સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.

દરીયાપુર વોર્ડના કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે ફૂડ અને હેલ્થ વિભાગ સહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને છેલ્લા બે મહિનાથી પત્રો લખવામાં આવ્યા છે, છતાં માહિતી આપવામાં આવી નથી. તેમણે પ્રદૂષિત પાણી અને ડ્રેનેજ ઉભરાવાની ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ફરિયાદ નિવારણ અને સ્થાનિક સમસ્યાઓનો મુદ્દો

મકતમપુરા વોર્ડના સિનિયર કોર્પોરેટર હાજીભાઈ બેગે આક્ષેપ કર્યો હતો કે 155303 પર નોંધાતી કેટલીક ફરિયાદો કામગીરી કર્યા વિના જ બંધ કરી દેવામાં આવે છે. તેમણે પ્રી-મોન્સુન કામગીરી અંગે પણ સવાલ ઉઠાવી વરસાદ દરમિયાન જુહાપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હોવાનો દાવો કર્યો હતો.

ખાડિયા વોર્ડના કોર્પોરેટર બીરજુબેને ગેરકાયદે બાંધકામો, ભયજનક મકાનો, હેરિટેજ મિલકતો, પીવાના પાણી અને માણેકચોક પ્રોજેક્ટની મંજૂરી અંગે માહિતી ન મળતી હોવાની રજૂઆત કરી હતી.

મકરબા બ્રિજ અંગે કોંગ્રેસના કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડીયાએ જણાવ્યું હતું કે કામ માટે 2022માં રૂ.70 કરોડથી વધુની ફાળવણી થઈ હતી અને નવેમ્બર, 2024ની સમયમર્યાદા નક્કી કરાઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર, 2026માં બ્રિજ તૈયાર થયો અને ખર્ચ વધીને રૂ.96 કરોડ થયો છે. તેમણે વિલંબ તથા રૂ.20 કરોડના વધારાના ખર્ચની તપાસની માગણી કરી હતી. બ્રિજ શરૂ થયા બાદ પણ ટ્રાફિક સમસ્યા યથાવત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.