અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ચીનમાં ઉત્પાદિત 10 ELISA રીડર અને વોશર મશીન ખરીદશે. સ્ટેન્ડિંગ કમિટીએ ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી છે. આ મશીનોનો ઉપયોગ ડેન્ગ્યુ, હેપેટાઈટિસ બી, HIV અને મેલેરિયા સહિતના ચેપના ટેસ્ટ માટે થશે. ખરીદી પાછળ કુલ ₹46,72,500 ખર્ચાશે.
મશીનોની ખરીદી માટે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સે ચોથી વખત રિટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. સૌથી ઓછો ભાવ આપનાર ગોવાની એજન્સી પાસેથી ખરીદી કરવાનો નિર્ણય થયો છે. મશીનના ઉત્પાદક તરીકે ચીનની કંપનીનું નામ દર્શાવાયું છે. ટેકનિકલ તપાસના અહેવાલ અને નિષ્ણાત તબીબોની ભલામણના આધારે દરખાસ્ત તૈયાર કરાઈ હતી, જેને કમિટીની મંજૂરી મળી છે.
દરેક મશીનની કિંમત અને વોરંટી
એક મશીનની કિંમત ₹4,67,250 નક્કી કરાઈ છે. 10 મશીન માટેનો કુલ ખર્ચ આ મુજબ ₹46,72,500 થશે. ખરીદીમાં ચાર વર્ષની વોરંટીનો સમાવેશ થાય છે. વોરંટી પૂરી થયા પછી પાંચમા વર્ષથી આઠમા વર્ષ સુધીના ચાર વર્ષ માટે પ્રતિ મશીન ₹1,13,280નો કોમ્પ્રિહેન્સિવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (CMC) ચાર્જ ચૂકવવાનો રહેશે.
મશીનો સાબરમતી, રખિયાલ, વસ્ત્રાલ અને બહેરામપુરા ઉપરાંત નવા શરૂ થયેલા વિરાટનગર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (UCHC) તથા રાણીપ અર્બન હેલ્થ સેન્ટર (UHC)માં મૂકવાની યોજના છે. એલ.જી. જનરલ હોસ્પિટલના પેથોલોજી વિભાગ અને શ્રીમતી શારદાબેન જનરલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પણ મશીનોનો ઉપયોગ થશે.
વધારાનાં પાંચ મશીન ખરીદવાની જોગવાઈ
આરોગ્ય કેન્દ્રો અને UCHC માટેનો ખર્ચ આરોગ્ય વિભાગને ફાળવાયેલા બજેટમાંથી થશે. બંને જનરલ હોસ્પિટલમાં મૂકાનાર મશીનોનો ખર્ચ સંબંધિત હોસ્પિટલના બજેટમાંથી ચૂકવાશે.
ભવિષ્યમાં AMC સંચાલિત UHC, CHC અથવા હોસ્પિટલોમાં વધુ મશીનોની જરૂર પડે તો મહત્તમ પાંચ વધારાનાં ELISA રીડર અને વોશર ખરીદવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને પણ મંજૂરી મળી છે. એટલે મંજૂર થયેલાં 10 મશીનો ઉપરાંત જરૂરિયાત ઊભી થાય ત્યારે વધુ પાંચ ખરીદવાની જોગવાઈ રહેશે.
