અમદાવાદમાં બળાત્કારના કેસમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ કાચો કેદી રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠાકર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. આ મામલે ફરજ પરના ASI રાજેશ દયારામ અને ફરાર કેદી સામે રામોલ પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ સશસ્ત્ર પોલીસ ઇન્સ્પેક્ટરે નોંધાવી છે. ASIએ કેદીને જેલમાં પરત લઈ જવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈ ફરાર થવામાં મદદ કરી હોવાનો આરોપ છે. આ આક્ષેપોની તપાસ ચાલુ છે.
કેદીને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર સહિતના ગુનાઓના કેસમાં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. 27 ઓક્ટોબરે તેને કોર્ટમાં રજૂ કરવા જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે લવાયો હતો. સુનાવણી દરમિયાન તબિયત બગડતાં તેને સારવાર માટે અસલવા સિવિલ હોસ્પિટલના કસ્ટોડિયલ વોર્ડમાં દાખલ કરાયો હતો.
હોસ્પિટલમાંથી રજા બાદ શું બન્યું?
29 ઓક્ટોબરની બપોરે તબીબોએ કેદીને રજા આપી હતી. ત્યારબાદ તેને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સાબરમતી મધ્યસ્થ જેલ પરત લઈ જવાનો હતો. ફરિયાદ મુજબ, ASI રાજેશ દયારામે કેદી પોતાનો સંબંધી હોવાનું કહી તેને એકલા ઓટોરિક્ષામાં લઈ ગયા. તેમની સાથે અન્ય પોલીસકર્મી નહોતો.
કેદી વસ્ત્રાલના નિરાંત ચાર રસ્તા નજીકથી ફરાર થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ASIએ શરૂઆતમાં પોલીસ કંટ્રોલ રૂમને કેદી ટ્રાફિક જામનો લાભ લઈને દુધેશ્વર સર્કલ નજીકથી ભાગ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, માધવપુરા અને રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ માહિતીમાં વિસંગતતા જણાઈ હતી. તપાસમાં ASI કેદીને સાબરમતી જેલ તરફ લઈ જવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સશસ્ત્ર પોલીસ ઇન્સ્પેક્ટરની ફરિયાદમાં ASI પર ગંભીર ગુનાના આરોપીને ફરાર થવામાં મદદ કરવાનો અને ફરજમાં બેદરકારી રાખવાનો આક્ષેપ છે. રામોલ પોલીસે ASI અને ફરાર કેદી બંને સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં કેદી કેવી રીતે ફરાર થયો, ASIની ભૂમિકા શું હતી અને કેદી ક્યાં છે તે અંગેની વિગતો તપાસવામાં આવી રહી છે.
