અમદાવાદ: કાનૂની જાગૃતિ, મધ્યસ્થતા અને સમુદાય સ્તરે વિવાદ નિવારણ માટે કાર્યરત ‘ઉકેલ ફાઉન્ડેશન’નું શેલા સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ મૌના એમ. ભટ્ટના હસ્તે સંસ્થાનો શુભારંભ થયો હતો.

મૌના ભટ્ટે ન્યાયતંત્ર સમક્ષ કેસોનો મોટો ભરાવો હોવાનો ઉલ્લેખ કરી નાગરિકોને અદાલતમાં જતા પહેલાં થોભીને આત્મચિંતન કરવાની અપીલ કરી હતી. તેમણે કાયદા સમક્ષ સમાનતા અને પર્યાવરણ જાગૃતિને નાગરિક જીવનના મહત્વના આધાર ગણાવ્યા હતા.

સંસ્થાના સ્થાપક અને નિર્દેશક એડવોકેટ પ્રતિક આર. પટેલે જણાવ્યું કે ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય કાયદાકીય જોગવાઈઓ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. લોકો પોતાની ભાષામાં કાનૂની માહિતી સમજી શકે અને પરિવાર, પડોશ તથા સમુદાયના વિવાદો સંવાદ અને માહિતી દ્વારા ઉકેલી શકે તે માટે સંસ્થા કાર્ય કરશે.

કાર્યક્રમ દરમિયાન ‘ઉકેલ ભાઈ’ નામના પ્રતીક પાત્રનું અનાવરણ, પરિચયાત્મક ફિલ્મ અને જાગૃતિ તથા સૌહાર્દપૂર્ણ ઉકેલ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું. ફાઉન્ડેશન જાગૃતિ શિબિરો, મધ્યસ્થતા, વર્કશોપ અને કાનૂની જાગૃતિ માટે કોમિક્સ જેવા માધ્યમો દ્વારા કામ કરવાની યોજના ધરાવે છે.