અમદાવાદમાં વધતા વાહનવ્યવહારને કારણે પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિકજામને હળવો કરવા ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. યોજનામાં ડિવાઈડર કટ, ટ્રાફિક સિગ્નલ અને બમ્પ અંગે વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. જોકે, આ કામગીરીનો અમલ સ્થળ નિરીક્ષણ બાદ કરવામાં આવી શકે છે.

કટ અને યુ-ટર્ન અંગેની ભલામણ

ટ્રાફિક પોલીસના સર્વે મુજબ કેટલાક ચાર રસ્તાઓ પર સીધા અને ક્રોસ થતા વાહનોને કારણે ટ્રાફિકની ગૂંચવણ ઊભી થાય છે. આ સમસ્યા ઘટાડવા વધુ ટ્રાફિક ધરાવતા 35 સ્થળોએ ડિવાઈડર કટ બંધ કરવાની ભલામણ કરાઈ છે. સાથે જ વાહનોને આગળના અંતરે યુ-ટર્ન અથવા કટ મારફતે પસાર થવાની સુવિધા મળે તે માટે 6 નવા કટ ખોલવાનું સૂચવાયું છે.

આ કામગીરી ટ્રાફિક પોલીસ અને મનપાની ટીમ દ્વારા સંયુક્ત નિરીક્ષણ બાદ હાથ ધરાશે. હેતુ ચાર રસ્તા પર સીધા ક્રોસિંગ ઘટાડીને વાહનોનો પ્રવાહ વધુ સતત રાખવાનો છે.

24 સ્થળોએ નવા સિગ્નલ, 35 જગ્યાએ બમ્પ

જ્યાં વાહનવ્યવહારનું પ્રમાણ વધુ છે પરંતુ હાલ ટ્રાફિક સિગ્નલ નથી, એવા 24 મહત્વના પોઇન્ટ્સ પર આધુનિક ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ માટે મનપાને સ્થળોની વિગતવાર યાદી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ઓવર સ્પીડિંગ અને અકસ્માતોની શક્યતા ઘટાડવા શહેરના વિવિધ રાજમાર્ગો પર 35 ચોક્કસ સ્થળોએ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન મુજબ બમ્પ બનાવવાનું સૂચન કરાયું છે.

ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે તંત્રની કામગીરી સાથે વાહનચાલકોની શિસ્ત પણ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. લેન શિસ્ત જાળવવી, બિનજરૂરી હોર્ન ન વગાડવો અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ ટાળવાથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની શકે છે.