અમદાવાદના થલતેજ વિસ્તારમાં વીજપોલમાં તોડફોડ અને આગચંપીની ઘટનામાં પોલીસે આકાશ ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાના ઘરની બહાર આવેલા વીજપોલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક શખ્સ વીજપોલને નુકસાન પહોંચાડતો જોવા મળે છે.
અગાઉ કારમાં આગ લગાવ્યાની માહિતી
તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી છે કે આકાશ ઠાકોરે અગાઉ એક કારમાં પણ આગ લગાવી હતી. વીજપોલમાં તોડફોડ અને આગચંપી સહિતની ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં આરોપી માનસિક રીતે અસ્થિર હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ અને ઘટનાના ચોક્કસ કારણ અંગેની તપાસ હજુ ચાલુ છે. પોલીસે આરોપીની હરકતો પાછળનું કારણ તેમજ અગાઉની ઘટનાઓમાં તેની સંડોવણી અંગે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.
થલતેજ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે પોલીસ અને તંત્ર સમક્ષ કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં પોલીસે CCTV ફૂટેજ, આગચંપીની અગાઉની ઘટના અને વીજપોલને થયેલા નુકસાન અંગે વિગતો એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ હકીકતો સ્પષ્ટ થશે.
