અમદાવાદના થલતેજ વિસ્તારમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓને લઈને બોડકદેવ પોલીસે આકાશ ઠાકોર નામના યુવકની અટકાયત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તે થાર કાર લઈને સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં આવતો અને લોકો સાથે માથાકૂટ તથા ધમકીભર્યું વર્તન કરતો હતો. આ મામલે પોલીસને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો દાવો છે.
સ્ટ્રીટ લાઇટના થાંભલામાં તોડફોડ
તાજેતરની એક ઘટનામાં આકાશ ઠાકોરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલામાં તોડફોડ કરી આગ લગાવી હોવાનો આક્ષેપ છે. અન્ય એક ઘટનામાં રસ્તેથી પસાર થતા વ્યક્તિ સાથે ઝઘડો કરીને તેને માર માર્યો હોવાની માહિતી પણ સામે આવી છે. બંને બનાવોના CCTV ફૂટેજ પોલીસ તપાસનો ભાગ બન્યા છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.
કેટલાક સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આકાશ અગાઉ સોસાયટીમાં લોકોના ઘરે જઈને ધમકીઓ આપતો અને વાહનચાલકો સાથે માથાકૂટ કરતો હતો. ફરિયાદો બાદ પોલીસ તેની ઘરે તપાસ માટે પહોંચી હતી અને પરિવારજનો દ્વારા તેની માનસિક સારવાર સંબંધિત દસ્તાવેજો તથા દવાઓ રજૂ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.
પરિવાર અને પોલીસનું શું કહેવું છે?
પોલીસના જણાવ્યા મુજબ, આકાશ ઠાકોરની માનસિક સ્થિતિ સ્થિર નથી અને તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી. પરિવાર તરફથી જણાવાયું છે કે છેલ્લા દોઢ વર્ષથી તેની સ્થિતિમાં અસ્થીરતા છે અને તેને અગાઉ બે વખત રીહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. આકાશના ભાઈએ પોતાના ઘરમાં પણ આગ લગાવ્યાની વાત કરી હોવાનો અહેવાલ છે. આ દાવાઓની પોલીસ અલગથી તપાસ કરી રહી છે.
સ્થાનિકોની રજૂઆત બાદ બોડકદેવ પોલીસે આકાશ ઠાકોરને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે તોડફોડ, આગચંપી અને અગાઉની ફરિયાદો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે CCTV ફૂટેજ, પરિવારના દસ્તાવેજો અને સ્થાનિકોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી છે.
