અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કામને કારણે સ્ટેશન પર વાહનોની અવરજવર અને પાર્કિંગની વ્યવસ્થામાં ફેરફાર થયો છે. સ્ટેશન પરિસરનો એલિવેટેડ રોડ બંધ કરી દેવાયો છે. તેના પર ઉપલબ્ધ પાર્કિંગની સુવિધા હવે દક્ષિણ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (સાઉથ MMTH) બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે. વાહન લઈને આવતા મુસાફરોએ પાર્કિંગ માટે સાઉથ MMTHનો ઉપયોગ કરવો પડશે.
નોર્થ MMTHના બાંધકામ માટે રસ્તો બંધ
રેલવે તંત્રના જણાવ્યા મુજબ, સ્ટેશનના પુનર્વિકાસના આગામી તબક્કામાં નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (નોર્થ MMTH)નું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામમાં અવરોધ ન આવે તે માટે એલિવેટેડ રોડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોની અવરજવર અને પ્રીમિયમ પાર્કિંગ સુધી પહોંચવા માટે અગાઉ આ રોડ બનાવાયો હતો. હવે તેની સાથે સંકળાયેલી પાર્કિંગ સુવિધા સાઉથ MMTHમાં ખસેડાઈ છે.
સચાણા ફાટક છ દિવસ બંધ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જખવાડા અને વિરોચનનગર સ્ટેશનો વચ્ચેના સચાણા રેલવે ફાટક પર સમારકામ અને જાળવણીનું કામ હાથ ધર્યું છે. આ કારણે ફાટક 24 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી 29 નવેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન ભારે વાહનો સોકલી અથવા ખોડા રેલવે ફાટક તરફથી જઈ શકશે. હળવા વાહનો માટે વિરોચનનગર રેલવે ફાટકનો વિકલ્પ સૂચવાયો છે. ફાટક બંધ રહેવાના દિવસોમાં મુસાફરો અને વાહનચાલકોએ રસ્તો પસંદ કરતાં આ ફેરફારો ધ્યાનમાં રાખવા પડશે.
