અમદાવાદની સિટી સેશન્સ કોર્ટમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતે 55 વર્ષીય સ્કૂલ રિક્ષાચાલકને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. રામોલ પોલીસ મથકમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. ચુકાદો જજ એચ.એન. દેસાઈએ આપ્યો હતો. સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે કેસમાં પક્ષ રજૂ કર્યો હતો.
કેસની વિગતો મુજબ, આરોપી વસ્ત્રાલની શાંતિ એશિયાટિક સ્કૂલનાં 6થી 12 વર્ષની વયનાં બાળકોને રિક્ષામાં શાળાએ લઈ જતો અને પાછાં મૂકતો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, શાળાએથી પાછા ફરતી વખતે તે રિક્ષા અવાવરુ અથવા એકાંત જગ્યાએ ઊભી રાખતો. બાળકોને ચોકલેટ આપવાની કે રમત રમાડવાની લાલચ આપી તેમની સાથે અયોગ્ય વર્તન કરતો અને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો આરોપ હતો. બાળકો માતા-પિતાને વાત કરશે તો મારી નાખવાની ધમકી આપ્યાનો પણ કેસમાં ઉલ્લેખ હતો. આ કેસમાં પાંચ સગીર બાળકીઓ પીડિત હતી.
અદાલતે નિવેદનો અને સાક્ષીઓ ધ્યાનમાં લીધા
સુનાવણી દરમિયાન અદાલતે 12 સાક્ષીઓની જુબાની અને 30 પુરાવા તપાસ્યા હતા. ચુકાદામાં પીડિત બાળકીઓએ અદાલત અને મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનોમાં સુસંગતતા હોવાનું નોંધાયું. નિવેદનોમાં જાંબલી રંગના કાણાવાળા કાપડ તથા આરોપીના કૃત્યની ઓળખ અંગે એકસરખી વિગતો હોવાનો પણ ઉલ્લેખ થયો.
આરોપીએ તમામ આક્ષેપો નકારી પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેના દાવા મુજબ, સ્કૂલ વાન અને રિક્ષાચાલકો વચ્ચે ભાડાને લઈને ધંધાકીય અદાવત હતી; વાનચાલકોએ વાલીઓને ઉશ્કેરી ખોટો કેસ કરાવ્યો હતો. જોકે, આ દાવાને સમર્થન આપતો પુરાવો આરોપી રજૂ કરી શક્યો નહોતો, એવું અદાલતે નોંધ્યું. બાળકોને સુરક્ષિત રીતે શાળાએ લઈ જવાની જવાબદારી સોંપાઈ હોવા છતાં થયેલા કૃત્યને અદાલતે ગંભીર અને માફ ન કરી શકાય તેવો ગુનો ગણાવ્યો.
