અમદાવાદ શહેરમાં બનેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 16 વર્ષીય વિદ્યાર્થી અને 62 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. બંને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સરખેજમાં એક્ટિવા ડિવાઇડર સાથે અથડાઈ
સરખેજ ગામના મહાકાળી માતાના ટેકરા પાસે રહેતા વિજયભાઈ રતિલાલ સલાટનો 16 વર્ષીય દીકરો દીપક ધોરણ-9માં અભ્યાસ કરતો હતો અને જય ભવાની ક્લાસીસમાં ટ્યુશન જતો હતો. 13 સપ્ટેમ્બરે તે ટ્યુશન જવા નીકળ્યો ત્યારે સરખેજમાં રહેતો તેનો 15 વર્ષીય મિત્ર એક્ટિવા લઈને આવ્યો હતો. દીપક પાછળ બેઠો હતો.
સ્કૂલના ગેટ નંબર-2 નજીક એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતાં વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું. અકસ્માતમાં દીપકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. આ કેસમાં ‘એમ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કૃષ્ણનગરમાં BRTS ટ્રેક પર અકસ્માત
બીજા બનાવમાં મૂળ સતલાસણાના ટીબા ગામના અને હાલ કૃષ્ણનગરના શ્રદ્ધા ફ્લેટમાં રહેતા 62 વર્ષીય રંગુસિંહ બદસિંહ ચૌહાણનું મોત થયું હતું. તેઓ ઠક્કરબાપાનગરના જંબુકા કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
26 સપ્ટેમ્બરની રાત્રે સ્કાયલાઇન સિરામિક મોલ સામેના BRTS ટ્રેક પરથી પસાર થઈ રહેલા રંગુસિંહને કોરિડોરમાં ઘૂસેલી એક ઓટોરિક્ષાએ ટક્કર મારી હતી. તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન તેમનું મોત થયું.
આ બનાવમાં ‘જી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.
