અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે સાબરમતી નદી પર બનેલો 480 મીટર લાંબો પુલ પૂર્ણ થયો છે. આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. સાબરમતી સ્ટેશનથી તે આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર છે.

પુલની ઊંચાઈ આશરે 36 મીટર એટલે કે 12 માળની ઇમારત જેટલી છે. તેનો ડેક જમીનથી આશરે 14.8 મીટર ઊંચાઈએ અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇનની બાજુમાં પસાર થાય છે. બુલેટ ટ્રેનનો માર્ગ ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કોરિડોર જેવી હાલની સુવિધાઓ પરથી પસાર થતો હોવાથી જરૂરી ઊભી જગ્યા જાળવવા પુલના પિયર્સ સામાન્ય કરતાં ઊંચા બનાવવામાં આવ્યા છે.

નદીમાં અવરોધ ઘટાડવા આઠ ગોળાકાર પિયર્સ

પુલને કુલ આઠ ગોળાકાર પિયર્સ પર ઊભો કરવામાં આવ્યો છે. દરેક પિયરની વ્યાસ 6થી 6.5 મીટર છે. તેમાં ચાર પિયર્સ નદીના પટમાં, બે પિયર્સ નદીકાંઠે—દરેક બાજુ એક—અને બે પિયર્સ નદીકાંઠાની બહાર મૂકવામાં આવ્યા છે. આ ગોઠવણીનો હેતુ સાબરમતીના જળપ્રવાહમાં શક્ય તેટલો ઓછો અવરોધ ઊભો કરવાનો છે.

આ પુલમાં પાંચ 76 મીટરના અને બે 50 મીટરના સ્પાન છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટનો સમાવેશ થાય છે, જે બાંધકામ સ્થળે જ તૈયાર કરવામાં આવ્યા હતા. બુલેટ ટ્રેન કોરિડોરના અન્ય કેટલાક નદી પુલોમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના સ્પાન હોય છે, જ્યારે સાબરમતી પુલમાં લાંબા સ્પાન અપનાવવામાં આવ્યા છે. તેના કારણે નદીના પટમાં જરૂરી પિયર્સની સંખ્યા ઘટાડવામાં મદદ મળી છે.

બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી બાંધકામ

પુલના ડેક માટે બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિમાં પિયરના બંને તરફ ડેકના સેગમેન્ટને સંતુલિત રીતે જોડવામાં આવે છે અને ત્યારબાદ પોસ્ટ-ટેન્શનિંગથી તેને મજબૂત કરવામાં આવે છે. નદીની અંદર પરંપરાગત સ્કેફોલ્ડિંગ ઊભું કર્યા વિના બાંધકામ આગળ વધારવામાં આ પદ્ધતિ ઉપયોગી રહી છે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર કુલ 25 નદી પુલનું આયોજન છે. તેમાંથી 21 પુલ ગુજરાતમાં અને ચાર પુલ મહારાષ્ટ્રમાં છે. સાબરમતી પુલ પૂર્ણ થતાં ગુજરાતમાં નિર્ધારિત 21માંથી 18 નદી પુલનું બાંધકામ પૂર્ણ થયું છે.