અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું 85 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, બાકી રહેલું કામ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કામ પૂરું થયા બાદ સ્ટેશન પર મુસાફરો માટે વધુ સુવિધાજનક અને આધુનિક વ્યવસ્થા ઊભી થશે.
આ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સાબરમતી (BG અને MG) સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યોજનાનો ઉદ્દેશ સ્ટેશનો પર મુસાફર સુવિધાઓ વધારવા, અવરજવર સરળ બનાવવા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વિકાસ કરવાનો છે.
પ્લેટફોર્મ પર તબક્કાવાર કામગીરી
હાલ પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર બ્લોક લઈને મોટા પાયે કામ ચાલી રહ્યું છે. પ્લેટફોર્મ નંબર 1 પર બીમ ભરવાનું અને કોન્કોર્સ વિસ્તારને મુખ્ય બિલ્ડિંગ સાથે જોડવાનું કામ લગભગ અડધું પૂર્ણ થયું છે. આગામી દિવાળીના તહેવારો બાદ પ્લેટફોર્મ નંબર 1 પર બ્લોક લઈને બાકી રહેલી કામગીરી હાથ ધરવામાં આવશે.
સ્ટેશન બિલ્ડિંગ સાથે જોડાયેલા પ્લેટફોર્મ નંબર 4-5 અને 6-7નું કામ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકી રહેલી કામગીરી પૂરી થયા બાદ તમામ પ્લેટફોર્મને નવા કોન્કોર્સ વિસ્તાર સાથે વધુ સુગમ રીતે જોડવામાં આવશે.
મુસાફરોને કઈ સુવિધાઓ મળશે?
સ્ટેશન પર વિશાળ કોન્કોર્સ વિસ્તાર બનાવવામાં આવશે, જ્યાં મુસાફરો માટે બેસવાની અને સરળતાથી અવરજવર કરવાની વ્યવસ્થા રહેશે. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે લિફ્ટ અને એસ્કેલેટર બનાવવામાં આવશે. આ ઉપરાંત, 12 મીટર પહોળો નવો ફૂટ ઓવરબ્રિજ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સ્ટેશનને સાબરમતી હાઈ સ્પીડ રેલના મલ્ટીમોડલ હબ સાથે જોડવાનું આયોજન છે. આ હબ રેલવે, બુલેટ ટ્રેન, મેટ્રો અને BRTS વચ્ચે જોડાણ સુગમ બનાવવાના હેતુથી વિકસાવવામાં આવી રહ્યું છે.
મુસાફરો માટે ફૂડ પ્લાઝા, એસી અને નોન-એસી વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અને આધુનિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ થશે. વાહનો માટે પિક-અપ, ડ્રોપ અને પાર્કિંગના અલગ પ્રવેશદ્વાર બનાવાશે. સુરક્ષા માટે CCTV સર્વેલન્સ અને ફાયર સેફ્ટી સિસ્ટમ સાથે સોલાર પાવર પ્લાન્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે.
