અમદાવાદના સાબરમતી વિસ્તારમાં માસૂમ બાળકના અપહરણ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન મહત્વની કડી સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ જીનલ નામની યુવતી આ કેસની મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જીનલ અગાઉ નર્સ તરીકે કામ કરતી હતી.
તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલી હોવાથી તેને હોસ્પિટલ અને બાળ સુરક્ષા સંબંધિત બાબતોની જાણકારી હતી. આ જાણકારીનો ઉપયોગ અપહરણના કાવતરામાં કરવામાં આવ્યો હોવાની દિશામાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જોકે, આ બાબતો અંગે અંતિમ હકીકત પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.
મોંઘી જીવનશૈલી માટે કાવતરું રચ્યાની આશંકા
પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ જીનલને મોંઘી જીવનશૈલી જીવવાનો શોખ હતો. પોતાની આર્થિક જરૂરિયાતો અને મોજશોખ પૂરા કરવા માટે તેણે બાળકના અપહરણનું કાવતરું રચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસને ચકમો આપવા માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવાની પણ તપાસમાં વાત સામે આવી છે.
ત્રણ રાજ્યોમાં તપાસ ટીમો સક્રિય
બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવા અને કેસ સાથે સંકળાયેલા આરોપીઓ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો કામે લગાડી છે. હાલમાં ત્રણ રાજ્યોમાં સર્ચ ઓપરેશન અને લોકેશન ટ્રેસિંગની કામગીરી ચાલી રહી છે.
પોલીસે બાળકને ટૂંક સમયમાં હેમખેમ શોધી કાઢવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનિકલ તપાસ અને મેદાની શોધખોળ બંને દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.
