અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 890 ગરબા આયોજન થવાના છે, જેમાં 17 કોમર્શિયલ ગરબા માટે અરજીઓ મળી છે. બોપલ અને અમદાવાદ શહેરને અડીને આવેલા ગરબા સ્થળો પર પોલીસ ખાસ નજર રાખશે.

કોમર્શિયલ ગરબા આયોજકો માટે પોલીસે 24 પોઈન્ટની ચેકલિસ્ટ તૈયાર કરી છે. આ ચેકલિસ્ટ મુજબ સ્થળની સુરક્ષા વ્યવસ્થા, પ્રવેશ નિયંત્રણ અને અન્ય જરૂરી બાબતોનું પોલીસ દ્વારા દરરોજ સ્થળ પર ચેકિંગ કરવામાં આવશે. આયોજકોને ગરબા સ્થળની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ પાસનું વિતરણ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

CCTV, ડ્રોન અને AIથી ભીડ પર નજર

દરેક ગરબા સ્થળે CCTV રૂમ રાખવો ફરજિયાત રહેશે. કેમેરાનું દૈનિક રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સાચવવાનું રહેશે, જેથી જરૂર પડે ત્યારે તપાસમાં તેનો ઉપયોગ થઈ શકે. ભીડનું સંચાલન કરવા માટે ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે.

ગરબા સ્થળોની આસપાસ ગેરકાયદે પાર્કિંગના નામે નાણાં વસૂલનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દ્વારા વધારાની દેખરેખ રાખવાની તૈયારી પણ ચાલી રહી છે. 2026ની નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

મહિલા અને બાળકો માટે અલગ હેલ્પ ડેસ્ક

મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ગરબા સ્થળોએ અલગ હેલ્પ ડેસ્ક બનાવાશે. પોલીસ અને મેડિકલ સેવાઓ માટે પણ જુદા ડેસ્ક રહેશે. મહિલાઓની સુરક્ષા માટે ‘શી ટીમ’ તૈનાત રહેશે, જ્યારે પોલીસકર્મીઓ સાદા વસ્ત્રોમાં પણ સ્થળ પર હાજર રહીને દેખરેખ રાખશે.

આયોજકો માટે મહિલા બાઉન્સર રાખવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે 9 ઓક્ટોબરે ફાયર, મેડિકલ અને R&B વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મોકડ્રિલ યોજાશે. સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસ અને સંબંધિત વિભાગો સુરક્ષા વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરશે.