અમદાવાદમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર લારી કે પાથરણું ગોઠવીને ફળ-શાકભાજી વેચતા વિક્રેતાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. AMCના એસ્ટેટ વિભાગની જાહેર સૂચના મુજબ રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ બને તેવા સ્થળોએ હવે ફળ-શાકભાજીનું વેચાણ કરી શકાશે નહીં.
વેપારીઓએ પોતાની વેચાણ પ્રવૃત્તિ AMC દ્વારા નિર્ધારિત શાકમાર્કેટ, વેજીટેબલ માર્કેટ અથવા અન્ય અધિકૃત સ્થળોએ જ કરવી પડશે. જાહેર માર્ગો પર લારીઓ ઊભી રાખીને વેપાર કરવાને દબાણ તરીકે ગણવામાં આવશે.
નિયમ તોડનાર સામે કાર્યવાહી
જાહેર સૂચનાનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓ સામે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે. રસ્તા કે ફૂટપાથ પરથી લારી અને વેચાણનો સામાન જપ્ત કરવાની સાથે દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. AMCએ સ્ટ્રીટ વેન્ડર્સને જાહેર વ્યવસ્થા જાળવવા માટે સૂચનાનું પાલન કરવાની અપીલ કરી છે.
ટ્રાફિક અને રાહદારીઓની મુશ્કેલી ઘટાડવાનો હેતુ
મનપાના જણાવ્યા મુજબ, રસ્તા પર લારી-પાથરણાં ગોઠવાતા વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થાય છે અને રાહદારીઓની અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે. વિવિધ વિસ્તારોમાં શાકમાર્કેટની વ્યવસ્થા હોવા છતાં કેટલાક વિક્રેતાઓ જાહેર માર્ગો પર વેપાર કરતા હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે AMCની કામગીરી એ બાબત પર કેન્દ્રિત રહેશે કે વિક્રેતાઓ નિર્ધારિત માર્કેટમાં ખસે અને જાહેર રસ્તા તથા ફૂટપાથ પરનું દબાણ દૂર થાય.
