અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન સ્ટંટ કરાવવાના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે. તંત્રના જણાવ્યા અનુસાર, સ્થળના ઉપયોગ માટે માત્ર વાહનોના ડિસ્પ્લેની મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમ દરમિયાન વાહનોથી સ્ટંટ કરવામાં આવ્યા હતા.
મામલો ધ્યાને આવ્યા બાદ AMCએ આયોજકને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. શરતોના ભંગ બદલ આયોજકની રૂ.1,00,000ની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે.
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે જાહેર મિલકતના મંજૂરી વિરુદ્ધ ઉપયોગ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવશે, જેથી જરૂરી કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
આ ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ મલ્ટી લેવલ પાર્કિંગનો ઉપયોગ વાહન પ્રદર્શનથી અલગ પ્રવૃત્તિ માટે કેવી રીતે થયો તે અંગે પણ સવાલો ઊભા થયા છે. AMCએ જાહેર મિલકતોના જોખમી અથવા મંજૂરી વિરુદ્ધ ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.
