અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીકથી ઓટોરિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જતા 45 વર્ષીય ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ વટવા વિસ્તારમાં ગોલ્ડન ટોકીઝ પાછળ આવેલા નૂરનગરના રહેવાસી મોહમ્મદ આરિફ મઝહર હુસૈન સૈયદ તરીકે થઈ છે.

પોલીસને સોમવારે બપોરે આશરે 2 વાગ્યે બાતમી મળી હતી કે એક ઓટોચાલક ગાંજાના વેચાણ માટે જથ્થો લઈને વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક આવવાનો છે. બાતમીના આધારે SOGએ વેજલપુર અને શ્યામલને જોડતા જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. સાંજે આશરે 5 વાગ્યે રિક્ષા અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.

સીટ નીચેથી મળી 90 પડીકીઓ

તપાસ દરમિયાન ડ્રાઇવરની બેઠક નીચે પીળા રંગની બેગ મળી આવી હતી. બેગની અંદર રહેલી કાળી પ્લાસ્ટિકની થેલીમાંથી 90 નાની પારદર્શક પડીકીઓ મળી આવી હતી. FSL અધિકારી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 184 ગ્રામ હોવાનું પોલીસે જણાવ્યું છે.

રૂ. 64,700નો મુદ્દામાલ જપ્ત

પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત ગાંજાની અંદાજિત કિંમત રૂ. 9,200 છે. આ ઉપરાંત રૂ. 5,500ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ. 50,000ની કિંમતની ઓટોરિક્ષા મળી કુલ રૂ. 64,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ કેસમાં ફતેહવાડીના રહેવાસી ઉબેદ અમાનુલ્લાહ ખાન પઠાણનું નામ પણ સામે આવ્યું છે. તે ગાંજાના વેચાણમાં સંડોવાયેલો હોવાનું પોલીસનું કહેવું છે. SOG ક્રાઈમ બ્રાન્ચે NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.