અમદાવાદમાં 23 અને 24 જુલાઈના ભારે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન થયું હતું. આ નુકસાન બદલ સહાય મેળવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ અરજીઓ મંગાવી હતી. જોકે, 30 સપ્ટેમ્બરે અરજી કરવાની મુદત પૂરી થઈ ત્યારે સમગ્ર શહેરમાંથી માત્ર 75 અરજીઓ મળી હતી.

ઓછી અરજીઓ મળતાં સહાયની માહિતી અને પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે. ચર્ચા છે કે કોર્પોરેશન દ્વારા આ સહાય યોજના અંગે પૂરતો પ્રચાર કરવામાં આવ્યો ન હતો. અસરગ્રસ્તોને રોકડ સહાય મળશે, ટેક્સમાં રાહત મળશે કે અન્ય કોઈ રીતે મદદ કરવામાં આવશે તે બાબતે પણ શરૂઆતથી સ્પષ્ટતા ન હોવાને કારણે અનેક લોકોએ અરજી કરી ન હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 58 અરજીઓ

મળેલી 75 અરજીઓમાંથી 58 અરજીઓ ઉત્તર પશ્ચિમ ઝોનની છે. પશ્ચિમ ઝોનમાંથી 7, દક્ષિણ પશ્ચિમમાંથી 4, દક્ષિણમાંથી 2, પૂર્વમાંથી 2, જ્યારે મધ્ય અને ઉત્તર ઝોનમાંથી એક-એક અરજી મળી છે.

ઝોન પ્રમાણે અરજીઓની વિગતો નીચે મુજબ છે:

ઉત્તર પશ્ચિમ ઝોન: 58 પશ્ચિમ ઝોન: 7 દક્ષિણ પશ્ચિમ ઝોન: 4 દક્ષિણ ઝોન: 2 પૂર્વ ઝોન: 2 મધ્ય ઝોન: 1 ઉત્તર ઝોન: 1 કુલ: 75

ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ઘરવખરીને નુકસાન થયું હોવા છતાં અરજીઓની સંખ્યા ઓછી રહેતાં અસરગ્રસ્ત નાગરિકો સુધી સહાયની માહિતી કેટલી પહોંચી હતી તે અંગે ચર્ચા થઈ રહી છે. સહાય મેળવવાની પદ્ધતિ સ્પષ્ટ ન હોવાથી અથવા પૂરતી માહિતી ન મળતાં કેટલાક લોકોએ નુકસાન પોતે જ વેઠી લીધું હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ છે.

હવે અરજીઓની ચકાસણી થશે

AMC દ્વારા મળેલી તમામ અરજીઓ અને તેમાં દર્શાવાયેલા નુકસાનની વિગતોની ચકાસણી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ કયા અરજદારને કેટલી સહાય આપવી તે નક્કી કરવામાં આવશે. હાલમાં સહાયની ચોક્કસ રકમ અથવા રાહતનું અંતિમ સ્વરૂપ જાહેર થયું નથી.

દરમિયાન, નવરાત્રી અને દિવાળીને ધ્યાનમાં રાખીને શહેરના રાત્રિના ખાણીપીણી બજારોમાં તપાસ કરવા ફૂડ વિભાગને સૂચના આપવામાં આવી છે. લો ગાર્ડન, માણેકચોક, પાલડી અને એસજી હાઇવે ઉપરાંત નવરાત્રી દરમિયાન ઉભા થનારા ફૂડ સ્ટોલની પણ તપાસ કરવામાં આવશે. ફટાકડાની દુકાનોમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસીની ચકાસણી કરવાની માગ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી છે.