અમદાવાદમાં નવરાત્રીની ઉજવણીને પરંપરાગત ગરબા સાથે આધુનિક સંગીતના નવા અનુભવ સાથે જોડવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રી-લૉન્ચ કાર્યક્રમ 1 ઓક્ટોબર, 2026ના રોજ ઓરિવા ફાર્મ, પ્રાર્થના ઉપવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને આગામી નવરાત્રીની ઉજવણીની ઝલક અને આયોજનની માહિતી આપવામાં આવી હતી.

‘Before the Nights Begin – Something Extraordinary Is About to Unfold’ થીમ હેઠળ યોજાયેલા પ્રી-લૉન્ચમાં સંગીત, પરંપરા અને આધુનિક ઈવેન્ટ અનુભવને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ સાંજે 8 વાગ્યે શરૂ થયો હતો. આ પ્રસંગે ‘રાસરાત્રી જામિંગ 2026’ની સમગ્ર કલ્પના અને આગામી સંગીતમય રાતોની રૂપરેખા રજૂ કરવામાં આવી.

10થી 20 ઓક્ટોબર સુધી સંગીતમય રાતો

આ કાર્યક્રમ 10 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી ચાલશે. આયોજકોના જણાવ્યા અનુસાર, શરૂઆતની રાતે પ્રી-નવરાત્રી કાર્યક્રમમાં દેવાયત ખવડ રજૂઆત કરશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે પણ દેવાયત ખવડ, 12 ઓક્ટોબરે કૌશિક ભરવાડ અને 13 ઓક્ટોબરે અંકિતા શાહ પરફોર્મ કરશે.

14 ઓક્ટોબરે મીત જૈન, 15 ઓક્ટોબરે રાજ પંડિત, 16 ઓક્ટોબરે દેવાયત ખવડ અને 17 ઓક્ટોબરે ભૈરવી ભોજકની રજૂઆતનું આયોજન છે. 18 ઓક્ટોબરે સ્નેહ પટેલ, 19 ઓક્ટોબરે પાર્થદાન ગઢવી અને 20 ઓક્ટોબરે જયકાર ભોજક કાર્યક્રમમાં રજૂઆત કરશે.

ગરબા સાથે રાસ અને ભજન જમિંગ

આ મહોત્સવનો મુખ્ય વિચાર પરંપરાગત ગરબાને લાઈવ સંગીત, રાસ અને આધુનિક સ્ટેજ-પ્રોડક્શન સાથે રજૂ કરવાનો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ વર્ણન મુજબ, દરરોજ અલગ કલાકારની રજૂઆત સાથે ગરબાની રાતનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, મધરાત બાદ પરંપરાગત રાસ, ગરબા અને ભજન જમિંગને પણ કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવ્યો છે.

આયોજકોનો દાવો છે કે ‘રાસરાત્રી જામિંગ’ માત્ર ગરબા કાર્યક્રમ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ સંગીત અને ગુજરાતી સંસ્કૃતિનો વિસ્તૃત અનુભવ આપવાનો પ્રયાસ કરશે. કાર્યક્રમનું આયોજન Brij Events દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે પ્રોડક્શનની જવાબદારી Water Color Production સંભાળશે. સ્થળ તરીકે ઓરિવા ફાર્મ, અમદાવાદ જાહેર કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ 10થી 20 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાવાનો છે.