અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર સાથે ફૂટપાથ પર સૂતા 37 દિવસના બાળકના અપહરણનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં 21 વર્ષની જીનલ પરમારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશના બે કિશોરોને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા સગીર તરીકે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના બદાયૂંના રહેવાસી અને નોઈડામાં રહેતા ભુવનેશ્વર ઉર્ફે ભાનુ જાટવની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ સમગ્ર ઘટનાને બાળકની ગેરકાયદે હેરફેર સાથે જોડાયેલી કડી તરીકે તપાસી રહી છે.

2 ઓક્ટોબરની વહેલી સવારે આશરે 3.15 વાગ્યે બાળકને ન્યૂ રાણીપના અહવાડિયા તળાવ નજીક ફૂટપાથ પરથી ઉઠાવી જવાયો હતો. બાળકના માતા-પિતા ત્યાં જ સૂતા હતા. બાળક ગુમ થયાની જાણ થતાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ અને સાબરમતી પોલીસે મળીને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી.

સીસીટીવીથી મહિલા આરોપી સુધી પહોંચ્યા

પોલીસે બાળકને લઈ જતી મહિલાની ઓળખ જીનલ પરમાર તરીકે કરી હતી. બાળકને શોધવા માટે અમદાવાદના રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને એરપોર્ટ પર પણ નજર રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જીનલને સાબરમતી રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવી હતી. તેના મોબાઇલમાં મળેલા ફોટોગ્રાફના આધારે ઉત્તર પ્રદેશના બે કિશોરોને પણ શોધી કાઢવામાં આવ્યા હતા.

પોલીસના પ્રાથમિક દાવા મુજબ, અપહરણ પહેલાં જીનલ પરમારે ન્યૂ રાણીપ વિસ્તાર અને સોલા સિવિલ હોસ્પિટલની આસપાસ રેકી કરી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપીઓએ પહેલાં હોસ્પિટલના બાળકોના વોર્ડમાં બાળક શોધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સફળતા ન મળ્યા બાદ ન્યૂ રાણીપમાં ફૂટપાથ પર સૂતા પરિવારના બાળકને નિશાન બનાવાયો હોવાનો પોલીસનો દાવો છે.

પોલીસની ઘેરાબંધી બાદ બાળકને છોડી દેવાયો

અપહરણ બાદ પોલીસે શહેરના બહાર નીકળવાના માર્ગો અને જાહેર પરિવહન કેન્દ્રો પર ચેકિંગ વધારી દીધું હતું. પોલીસની કાર્યવાહીથી આરોપીઓ ગભરાઈ ગયા હોવાનો તપાસ અધિકારીઓનો દાવો છે. ત્યારબાદ બાળકને ન્યૂ રાણીપ વિસ્તારમાં જ છોડી દેવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબરે બાળક સુરક્ષિત મળી આવ્યો અને તેને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો.

છ લાખ રૂપિયાની કથિત ઓફર

પોલીસના જણાવ્યા અનુસાર, જીનલને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકની વ્યવસ્થા કરવા માટે છ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર ઉત્તર પ્રદેશમાં રહેતા ભુનેશ્વર ઉર્ફે ભાનુ જાટવે કરી હોવાનો આરોપ છે. પોલીસ હવે આ કથિત સોદા પાછળના અન્ય લોકો, બાળક કોને સોંપવાનો હતો અને માનવ તસ્કરીની કડી કેટલી વિસ્તરેલી છે તેની તપાસ કરી રહી છે. કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) હેઠળ કાર્યવાહી થઈ છે અને માનવ તસ્કરી તથા ગુનાહિત કાવતરાને લગતી જોગવાઈઓ પણ તપાસમાં ઉમેરાઈ રહી છે.