અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં અહવાલીયા તળાવ નજીક ફૂટપાથ પરથી ગુમ થયેલા 37 દિવસના બાળકના અપહરણનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. આ કેસમાં જીનલ અને પ્રવીણ યાદવ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો અને સમગ્ર કડી અંગે તપાસ કરી રહી છે.

શહેરમાં મજૂરીકામ કરતા દંપતી પોતાના એક માસ અને સાત દિવસના બાળક સાથે ન્યૂ રાણીપ વિસ્તારમાં ફૂટપાથ પર ખાટલામાં સૂતું હતું. રાત્રે આશરે 3.15થી 3.30 વાગ્યાની વચ્ચે માતા-પિતા જાગ્યા ત્યારે બાળક ખાટલામાંથી ગાયબ હોવાનું જણાયું હતું. આસપાસ શોધખોળ કર્યા બાદ પણ બાળક ન મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

સીસીટીવીથી તપાસને મળી કડી

ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ બાળકની શોધ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકને ઉઠાવીને લઈ જતી દેખાઈ હતી. તેના આધારે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.

અપહરણના આશરે 14 કલાક બાદ બાળક ન્યૂ રાણીપ વિસ્તારમાં જ રસ્તા પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે તેને સુરક્ષિત રીતે કબજામાં લઈ તેના માતા-પિતાને સોંપ્યું હતું.

નિઃસંતાન દંપતીને વેચવાની આશંકા

બાળક મળી આવ્યા બાદ પોલીસે તપાસ આગળ વધારી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓ બાળકોનું અપહરણ કરીને તેમને નિઃસંતાન દંપતીને વેચવાની યોજના ધરાવતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, આ દાવાની સંપૂર્ણ હકીકત અને આરોપીઓની ચોક્કસ ભૂમિકા અંગે તપાસ ચાલુ છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે આરોપીઓ સાથે જોડાયેલા અન્ય લોકો, સંભવિત ખરીદદારો અને બાળ તસ્કરીના નેટવર્ક અંગે માહિતી એકત્ર કરી રહી છે. કેસમાં વધુ ધરપકડ અથવા અન્ય વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.