અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં અહવાલિયા તળાવ નજીક ફૂટપાથ પર માતા-પિતા સાથે સૂતેલા 37 દિવસના બાળકના અપહરણનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે. તપાસમાં બાળકને ઉત્તર પ્રદેશના નિઃસંતાન દંપતીને આપવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં એક યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના એક શખસ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મજૂરીકામ કરતું દંપતી ન્યૂ રાણીપમાં ફૂટપાથ પર ખાટલો પાથરીને બાળક સાથે સૂતું હતું. રાત્રે આશરે 3.15થી 3.30 વાગ્યાની વચ્ચે માતા-પિતા જાગ્યા ત્યારે બાળક ખાટલામાંથી ગાયબ જણાયું હતું. આસપાસ શોધખોળ કર્યા બાદ પણ બાળક ન મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

સીસીટીવીના આધારે તપાસ આગળ વધી

ફરિયાદ મળ્યા બાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાળકને ઉઠાવી જનાર યુવતી સુધી પોલીસ પહોંચી હતી. પૂછપરછમાં યુવતીની ઓળખ જીનલ પરમાર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, જીનલ અગાઉ નોઈડામાં કામ કરતી હતી, જ્યાં તેની ઓળખ ભુવનેશ નામના યુવક સાથે થઈ હતી.

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ભુવનેશે એક મહિનાનું બાળક શોધી લાવવા બદલ જીનલ અને બે સગીરને રૂ. 2-2 લાખ આપવાની વાત કરી હતી. ત્યારબાદ જીનલ અને બંને સગીરોએ અમદાવાદમાં બાળક શોધવાનું શરૂ કર્યું હતું. ન્યૂ રાણીપમાં માતા-પિતા સાથે સૂતેલું બાળક નજરે પડતાં તેને ત્યાંથી લઈ જવામાં આવ્યું હતું.

બાળકને ઉત્તર પ્રદેશ લઈ જવાનો પ્રયાસ

પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે બાળકને ઉત્તર પ્રદેશ લઈ જઈ ત્યાંના એક નિઃસંતાન દંપતીને આપવાનો સોદો કરવામાં આવ્યો હતો. સમગ્ર વ્યવહારમાં બાળકની કિંમત રૂ. 10 લાખ નક્કી કરવામાં આવી હોવાની વિગતો મળી છે. ભુવનેશની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકને લઈ જવા માટે આરોપીઓ સાબરમતી સ્ટેશન તરફ ગયા હતા. જોકે પોલીસ તપાસ તેજ બનતાં બાળકને ફરી તળાવ નજીક બિનવારસી હાલતમાં મૂકી દેવામાં આવ્યું હતું. બાળક મળી આવ્યા બાદ તેને પરિવારને સોંપવામાં આવ્યું હતું.

સોલા સિવિલમાં પણ પ્રયાસ થયો હોવાનો દાવો

તપાસ દરમિયાન આરોપીઓએ અગાઉ સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળક લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યાં બાળકી હોવાનું જણાતાં તેમણે પ્રયાસ પડતો મૂક્યો હતો અને ત્યારબાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં બાળકને નિશાન બનાવ્યું હતું.

આ કેસમાં પોલીસે યુવતી અને ઉત્તર પ્રદેશના શખસની ધરપકડ કરી છે, જ્યારે બે સગીરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બાળ તસ્કરીના આ કથિત રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને બાળકને વેચવાના વ્યવહારમાં કોની ભૂમિકા હતી, તે અંગે વધુ તપાસ ચાલુ છે.