અમદાવાદમાં આગામી નવરાત્રીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગરબા આયોજકો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગરબા સ્થળોની સુરક્ષા, મહિલાઓની સલામતી, ભીડ નિયંત્રણ અને રાત્રિના ટ્રાફિક અંગે આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસની સૂચના મુજબ દરેક ગરબા સ્થળે CCTV કેમેરા લગાવવાના રહેશે. મોટા ગરબા સ્થળોએ ખેલૈયાઓની સંખ્યા ગણી શકાય તેવા AI આધારિત CCTV કેમેરા લગાવવાની ખાસ સૂચના આપવામાં આવી છે. સ્થળની ક્ષમતા કરતાં વધુ લોકો એકત્ર ન થાય અને ભાગદોડ જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

મહિલાઓની સુરક્ષા અને સંવેદનશીલ સ્થળો પર નજર

મહિલાઓ સાથે છેડતી ન થાય તે માટે ગરબા સ્થળોએ SHE ટીમ તૈનાત રહેશે. અગાઉ અસામાજિક તત્વો દ્વારા તોફાન કે ગેરવર્તણૂક થઈ હોય તેવા સ્થળોએ ફેસ રેકગ્નિશન કેમેરા લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ દ્વારા ગરબા સ્થળોએ સુરક્ષા કર્મચારીઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓની હાજરી અંગે પણ ધ્યાન રાખવા જણાવાયું છે.

પોલીસે આયોજકોને ગરબા સ્થળે નશીલા પદાર્થો અથવા નશીલા પ્રવાહીનું સેવન કરેલા લોકો પ્રવેશ ન કરે તે અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. પ્રવેશદ્વારો પર સુરક્ષા તપાસ અને જરૂરિયાત મુજબ મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરવાની રહેશે.

પરવાનગી માટે કયા દસ્તાવેજો જરૂરી

રાસ-ગરબાનું પરફોર્મન્સ લાઇસન્સ મેળવવા માટે ગુજરાત સરકારના ifp.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી સાથે આધારકાર્ડ, સ્થળમાલિકનું સંમતિપત્ર અથવા માલિકીના પુરાવા, ફાયર વિભાગની NOC, વીજ જોડાણ અંગે માન્ય કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની NOC રજૂ કરવી પડશે.

આ ઉપરાંત જાહેર હિતની વીમા પોલિસીની વિગતો, સ્થળ પર CCTVની વ્યવસ્થા, સુરક્ષા અને મહિલા સુરક્ષા કર્મચારીઓની માહિતી, મેટલ ડિટેક્ટરની વિગતો તેમજ Entry/Exit અને Emergency Exitની વ્યવસ્થા દર્શાવવાની રહેશે. સરકારી જમીન પર કાર્યક્રમ હોય તો મંજૂરીપત્ર અને ભાડું ભર્યાની પ્રમાણિત નકલ પણ આપવાની રહેશે. ખુલ્લી જગ્યામાં ટેન્ટ અથવા સ્ટેજ ગોઠવવામાં આવે તો PWDનું સ્ટ્રક્ચર સંબંધિત NOC જરૂરી રહેશે.

ગરબા પૂર્ણ થયા બાદ એકસાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિક અને સ્થાનિક પોલીસ રસ્તાઓ પર તૈનાત રહેશે. પોલીસના જણાવ્યા અનુસાર લોકો પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા પર નજર રાખવામાં આવશે. શહેર પોલીસે યુવાઓને નવરાત્રી માતાજીની આરાધના સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને બહેન-દીકરીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે.