અમદાવાદના સરખેજ રોડ પર આવેલી ધી ન્યુ નવરંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, અમદાવાદ આરટીઓ, ટ્રાફિક પોલીસ, TRAX અને ABC અમદાવાદ ડોક્ટર કેમ્પના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ પર સલામત રીતે અવરજવર કરવા માટેના વિવિધ નિયમો સમજાવવામાં આવ્યા હતા. ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો યોગ્ય ઉપયોગ તેમજ વાહન ચલાવતી વખતે ઝડપ મર્યાદાનું ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
વિદ્યાર્થીઓને રસ્તો પાર કરતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો અને રોંગ સાઈડમાં વાહન ન હંકારવું જેવા નિયમો અંગે પણ સમજ આપવામાં આવી હતી.
‘સલામત માર્ગ, સુરક્ષિત જીવન’નો સંદેશ
કાર્યક્રમમાં ‘સલામત માર્ગ, સુરક્ષિત જીવન’નો સંદેશ આપવામાં આવ્યો હતો. માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન માત્ર વ્યક્તિગત સુરક્ષા પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ તેનો સંદેશ સમાજ સુધી પહોંચે તે માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
આ પ્રસંગે અમીતભાઈ ખત્રી, હાર્દિકભાઈ, ડો. ફિરોજ શેખ, મલેક શોકત હુસેન અને શાળાના પ્રિન્સિપાલ ડો. ઇરફાન અરબ ઉપસ્થિત રહ્યા હતા. શાળા સ્તરે યોજાયેલા આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગેની સમજ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
