રાજસ્થાનથી અમદાવાદ સંબંધીઓની ખબર પૂછવા આવેલી બે મહિલાઓને રિક્ષામાં લઈ જઈ નારોલની એક ગલીમાં છરીથી ઇજા પહોંચાડી લૂંટવાનો બનાવ નોંધાયો છે. મહિલાઓની ફરિયાદ મુજબ, સોનાનાં ઝુમ્મર, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.91 હજારની મતા લૂંટાઈ હતી. આ મામલે 25થી 30 વર્ષની વયના બે અજાણ્યા શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદી 52 વર્ષીય મહિલા રાજસ્થાનના પાલી જિલ્લાના ધનાપુરા ગામની રહેવાસી છે. તેમની નણંદ સિરોહી જિલ્લાના ભેવ ગામે રહે છે. રામોલના અદાણી સર્કલ પાસે દેવસ્ય સિટીમાં રહેતા તેમના સંબંધીનું ઓપરેશન થયું હોવાથી બંને અમદાવાદ આવ્યાં હતાં. 11 નવેમ્બરની રાત્રે તેઓ ખાનગી ટ્રાવેલ્સમાં નીકળ્યાં હતાં અને 12 નવેમ્બરે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે ગીતામંદિર પહોંચ્યાં હતાં.

પંચર પડ્યાનું કહી રિક્ષા ઊભી રાખી

ફરિયાદ મુજબ, સવારે સવા ચાર વાગ્યે બંને રામોલ જવા રિક્ષામાં બેઠાં હતાં. રિક્ષા ચલાવનાર ઉપરાંત તેમાં એક અજાણ્યો શખ્સ પહેલેથી બેઠેલો હતો. રામોલ તરફ જવાને બદલે ચાલક મહિલાઓને અજાણ્યા રસ્તે નારોલની એક ગલીમાં લઈ ગયો. સવારે લગભગ પાંચ વાગ્યે રિક્ષા ઊભી રાખીને પંચર પડ્યું હોવાનું કહી બંનેને નીચે ઉતરવા કહ્યું.

મહિલાઓએ ઉતરવાની ના પાડતાં ચાલકે સીટ નીચેથી છરી કાઢી હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. એક મહિલાએ બચવા હાથ આડો કરતાં જમણા હાથના પંજા અને ડાબા હાથના કાંડા પર ઇજા થઈ હતી. તેમણે બૂમાબૂમ કરતાં સાથેના શખ્સે તેમનું મોઢું દબાવ્યું હતું. બીજા શખ્સે બીજી મહિલા પર છરીથી હુમલો કરતાં તેમના ડાબા હાથમાં ઇજા થઈ હતી.

સારવાર બાદ નોંધાવી ફરિયાદ

ફરિયાદ મુજબ, હુમલા પછી બંને મહિલાઓના કાનમાંથી આશરે રૂ.80 હજાર કિંમતનાં સોનાનાં ઝુમ્મર ખેંચી લેવાયાં હતાં. રૂ.8 હજારનો મોબાઇલ અને રૂ.3 હજાર રોકડ ભરેલું પર્સ પણ લઈ જવામાં આવ્યું હતું. બંને શખ્સો ત્યાંથી ફરાર થયા હતા.

ઇજાગ્રસ્ત મહિલાઓ થોડે દૂર જઈ બીજી રિક્ષામાં સિંગરવા ખાતે રહેતા સંબંધીના ઘરે પહોંચ્યાં હતાં. ત્યારબાદ તેમણે સિંગરવા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ઓળખ અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.