અમદાવાદ ગ્રામ્ય LCBએ નળકાંઠા વિસ્તારમાં આવેલી હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી Hyundai Creta કાર ઝડપી ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના કુમારખાણ ગામથી શાહપુર ગામ તરફ જતા માર્ગ પર આવેલી ‘જય ખોડિયાર હોટેલ’માં કરવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસમાં કારમાંથી વિદેશી દારૂની 1,961 બોટલ અને બીયરના 120 ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બીયરની કિંમત ₹2,82,933 હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત પોલીસે GJ-08-CC-0891 નંબરની Hyundai Creta કાર, ચાર મોબાઇલ ફોન સહિત કુલ ₹10,02,933નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અશોકકુમાર બિશ્નોઈ, શ્રવણકુમાર બિશ્નોઈ, ભીખારામ બિશ્નોઈ અને કરશનલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.