અમદાવાદના મકરબા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ શરૂ થયા બાદ કોર્પોરેટ રોડ તરફ ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. પ્રહલાદનગર ગાર્ડન સર્કલ તરફથી કોર્પોરેટ રોડ અને મકરબા અંડરપાસ તરફ જતા વાહનચાલકોને લાંબી કતારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રાફિક પોલીસે વાહનવ્યવહારને નિયંત્રિત કરવા માટે ડાયવર્ઝન આપ્યાં છે. તેના કારણે કેટલાક વાહનચાલકોને લાંબો રસ્તો કાપીને યુ-ટર્ન લેવો પડી રહ્યો છે. મકરબા બ્રિજ શરૂ થયાના થોડા જ કલાકોમાં કોર્પોરેટ રોડ પાસે ટ્રાફિક ધીમો પડ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજના લેન્ડિંગ પોઇન્ટ પાસે ‘કેપ્સ્યુલ એપ્રોચ’ અમલમાં મૂક્યો છે. આ વ્યવસ્થાનો હેતુ બ્રિજ પરથી નીચે ઉતરતા વાહનો અને મુખ્ય રોડ તરફ જતા ટ્રાફિકનું સંચાલન સુધારવાનો છે.
દરમિયાન, બ્રિજ નીચેથી પસાર થતો રેલવે ક્રોસિંગ પણ 25 સપ્ટેમ્બરની સાંજે બંધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા માટે બ્રિજના મકરબા છેડે નિયમિત ટ્રાફિક પોલીસ અને કોર્પોરેટ રોડ તરફ સિગ્નલ તથા પોલીસ તહેનાત કરવાની માગ કરવામાં આવી છે.
