અમદાવાદમાં હલકી ગુણવત્તાવાળું અથવા ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાની ફરિયાદો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. માધુપુરા માર્કેટમાં આવેલી H.P. Foods નામની દુકાનમાંથી લેવામાં આવેલા વિવિધ બ્રાન્ડના ઘીના પાંચેય સેમ્પલ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાદ તંત્રએ વેપારી સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

દુકાનદારોનું કહેવું છે કે તેઓ ઘીનું ઉત્પાદન કરતા નથી, પરંતુ અલગ-અલગ બ્રાન્ડ પાસેથી માલ ખરીદીને તેનું વેચાણ કરે છે. તેથી કોઈ બ્રાન્ડનું ઘી હલકી ગુણવત્તાવાળું સાબિત થાય તો માત્ર રિટેલર સામે નહીં, પરંતુ ઉત્પાદન કરતી ફેક્ટરી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વેપારીઓની માંગ છે.

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે બ્રાન્ડના નમૂના નિષ્ફળ રહ્યા છે, તેમની ફેક્ટરીઓ સુધી પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સંબંધિત એકમોમાં તપાસ ચાલી રહી છે અને ઘીના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.