અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાના કથિત નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઠક્કરબાપાનગર ખાતેના એક મકાનમાં LCB ઝોન-5 અને કૃષ્ણનગર પોલીસે રવિવાર, 27 સપ્ટેમ્બરની સાંજે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે 23 વર્ષીય હેમલ ઉર્ફે હેમુ વાઘેલાને ઝડપી લીધો હતો. પોલીસને સ્થળ પરથી રૂ.1.32 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા.
આ ઉપરાંત ખાલી બોટલો, ઢાંકણાં અને જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો પણ જપ્ત કરાયા હતા. પ્રાથમિક તપાસ મુજબ સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભર્યા બાદ તેના પર નકલી લેબલ લગાવી વેચાતો હતો.
પોલીસે આ કેસમાં અન્ય ત્રણ કથિત સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર નેટવર્કમાં વધુ લોકોની સંડોવણી છે કે નહીં અને દારૂનો જથ્થો ક્યાંથી મેળવાતો હતો, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
