અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ વિષય હેઠળ આયોજિત કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે 6,500 વિદ્યાર્થીઓએ મળીને ભારતની આકૃતિ દર્શાવતી માનવ રંગોળી રચી હતી.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી માનવ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ અર્પણ કર્યા હતા.

સાત રંગોમાં ભારતની આકૃતિ

માનવ રંગોળી માટે વિદ્યાર્થીઓને કેસરિયો, પીળો, લાલ, જાંબલી, લીલો, વાદળી અને સફેદ એમ સાત રંગોના જૂથોમાં ગોઠવવામાં આવ્યા હતા. આ ગોઠવણી દ્વારા ભારતની વિશાળ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને મોદીના 25 વર્ષના સતત સરકારી નેતૃત્વની ઉજવણી માટે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને 2014થી દેશના પ્રધાનમંત્રી તરીકે સરકારી નેતૃત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.

વિદ્યાર્થીઓની ભાગીદારી કેન્દ્રમાં રહી

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સામૂહિક ભાગીદારીને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તેમની સર્જનાત્મકતા, શિસ્ત અને સંકલિત રજૂઆતની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે માતા અંબાને સમર્પિત ગરબા પ્રસ્તુતિ પણ યોજાઈ હતી.

કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદો, ધારાસભ્યો, નાયબ મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.