અમદાવાદના માધુપુરા માર્કેટમાં ફૂડ વિભાગે લીધેલા ઘીના 11 સેમ્પલમાંથી 5 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તપાસ દરમિયાન આ સેમ્પલમાં વેજીટેબલ ફેટ મળી આવી હોવાનું જણાવાયું છે.

નાપાસ થયેલા સેમ્પલ સાથે સંબંધિત 3,142 કિલો ઘીનો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત આશરે રૂ. 12.93 લાખ હોવાનું જણાવાયું છે. તપાસ બાદ ઘોડાસરમાં આવેલી અરિહંત માર્કેટિંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એકમ પાસે જરૂરી FSSAI લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું છે.

સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા ઉત્પાદનોમાં ગોપીશ્રીનું દેશી ગાય ઘી, શ્રી અમૃતનું પ્યોર ગાય ઘી, કેટી ક્રિષ્નાનું પ્રીમિયમ કાવ ઘી, ખુશાલીનું પ્યોર કાવ ઘી અને પ્રસંગનું દેશી ગાયનું ઘી સામેલ છે.

વેપારીને અપીલ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ FSSAI કાયદા મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગે કેટરર્સ અને મોટા પ્રમાણમાં ઘી ખરીદતા વ્યવસાયોને બેચ-વિશિષ્ટ લેબોરેટરી રિપોર્ટ મેળવવા તથા ખરીદીના રેકોર્ડ જાળવવા અપીલ કરી છે.