અમદાવાદ જિલ્લામાં અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. ચાંગોદરમાં દ્વારકાથી પરત ફરતા પરિવારની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. રામોલના અર્બન હેલ્થ સેન્ટરના કમ્પાઉન્ડમાં વાહનની ટક્કરથી બે વર્ષના બાળકનું મોત થયું હતું. કોઠ અને વિરમગામમાં બનેલા અકસ્માતોમાં પણ બે વ્યક્તિનાં જીવ ગયા હતા.

ચાંગોદર પોલીસના જણાવ્યા પ્રમાણે, ઝુંડાલમાં રહેતો એક પરિવાર 21 નવેમ્બરે દ્વારકા દર્શન માટે ગયો હતો. 23 નવેમ્બરની રાત્રે પરિવાર બાવળા-સરખેજ રોડ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. કાર સુરેશભાઈ કાપડિયા ચલાવતા હતા. કારમાં તેમનાં પત્ની, પુત્ર કૃણાલ, પુત્રવધૂ, બે વર્ષનો પૌત્ર શ્રેયાંશ અને વેવાણ વર્ષાબેન પરમાર સહિતના પરિવારજનો હતા.

મળતી માહિતી મુજબ, ચાલકને ઊંઘ આવતાં કાર પરનો કાબૂ ગયો હતો અને કાર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કૃણાલ, તેમની સાસુ અને શ્રેયાંશને ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન શ્રેયાંશનું મોત થયું. ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે.

રામોલની ઘટનામાં ચાંદખેડામાં રહેતાં કલ્પનાબેન પરમાર 16 નવેમ્બરે પોતાના બે વર્ષના પુત્ર મોક્ષને સાથે લઈને અર્બન હેલ્થ સેન્ટર ગયાં હતાં, જ્યાં તેઓ ડેટા આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. બાળક બહાર કમ્પાઉન્ડમાં રમતો હતો ત્યારે સેન્ટરની કાર લઈને અંદર પ્રવેશેલા ચાલક દક્ષેશભાઈ પટેલની કારની ટક્કરથી તે ઘાયલ થયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય બે બનાવમાં, વટામણ ચોકડી પાસેની એક હોટલમાં કામ કરતા 65 વર્ષના કાંતિભાઈ સોલંકીનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયું હતું. કોઠ પોલીસે તપાસ હાથ ધરી છે. વિરમગામના જખવાડા ગામ પાસે ટ્રેલરની ટક્કરથી બિહારના 33 વર્ષના ઉપેન્દ્ર ભારતીનું મોત થયું હતું. આ બનાવમાં વિરમગામ પોલીસે તપાસ શરૂ કરી છે.