અમદાવાદના દાણીલીમડામાં રહેતા કાપડ પ્રિન્ટિંગના વેપારી સાજિદ સોજતવાલાએ સિલાઈકામના નાણાંના વિવાદમાં અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આઠ શખસો સામે આરોપ મૂકાયો છે. સાજિદના જણાવ્યા મુજબ, મનીષ મુંજાણીને સિલાઈકામના માત્ર ₹27 હજાર ચૂકવવાના હતા, જ્યારે તેમની પાસેથી ₹14 લાખની માગણી કરવામાં આવી હતી.

ફરિયાદ અનુસાર, 9 ઓક્ટોબરની રાત્રે સાજિદ પોતાની ફેક્ટરી ‘સિમરન ફેશન’થી એક્ટિવા લઈને જમાલપુરની પથ્થરવાળી મસ્જિદ પાસે બેસણામાં જવા નીકળ્યા હતા. ત્યાં રોહાન ઉર્ફે રોમાન ઝુલફીકાર શેખે તેમને કહ્યું કે કોઈ વ્યક્તિ બોલાવે છે. સાજિદ તેની સાથે ગયા ત્યારે ત્યાં ઊભેલી વાદળી રંગની કારમાંથી આવેલા શખસોએ તેમને કારમાં બેસાડી લીધા હતા. ફરિયાદમાં મોબાઇલ ફોન ઝૂંટવી લેવાનો અને માર મારવાનો પણ ઉલ્લેખ છે.

₹14 લાખની માગણીનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાજિદને ગોળલીમડામાં આવેલી અલ્માસ શેખની ‘ટાઇગર પોઇન્ટ’ નામની જગ્યાએ લઈ જવાયા હતા. ત્યાં અલ્માસે મનીષને સિલાઈકામના ₹14 લાખ ચૂકવવા કહ્યું હોવાનો સાજિદે આક્ષેપ કર્યો છે. સાજિદે જવાબમાં ₹27 હજાર જ બાકી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને ગાળો આપી બેઝબોલના દંડાથી મારવામાં આવ્યા હોવાનો આરોપ છે.

ફરિયાદમાં એક અજાણ્યા શખસે તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો પણ ઉલ્લેખ છે. મનીષ મુંજાણી પણ ત્યાં આવ્યો હતો અને પૈસા નહીં આપે તો પગ તોડી નાખવાની ધમકી આપી હતી, એવો સાજિદનો આક્ષેપ છે.

સાજિદના નાના ભાઈઓ અસ્ફાક અને મોહશીન તેમને શોધતાં સ્થળે પહોંચ્યા ત્યારે આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હોવાની ફરિયાદમાં વાત છે. ઇજાગ્રસ્ત સાજિદને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમણે મનીષ મુંજાણી, અલ્માસ શેખ, અલ્માસની બીજી પત્ની, રોહાન અને અન્ય અજાણ્યા શખસો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.