અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નોકર મંડળે પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે ગુરુવાર, 8 ઓક્ટોબરે દાણાપીઠ સ્થિત મુખ્ય કાર્યાલય બહાર ધરણાં યોજ્યાં હતાં. બપોરે 3થી 5 વાગ્યા સુધી ચાલેલા વિરોધને કારણે ખમાસાથી એલિસબ્રિજ સુધીના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. વાહનચાલકોની સાથે રાહદારીઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

મંડળના મોટી સંખ્યામાં કર્મચારીઓ કાર્યાલય બહાર એકઠા થયા હતા. કચેરીના બંને પ્રવેશદ્વાર પાસે DJ મ્યુઝિક સિસ્ટમ ગોઠવાઈ હતી અને બે ટ્રકો પણ ત્યાં રાખવામાં આવી હતી. ધરણાંને કારણે AMC કચેરીમાં અવરજવર અટકી ગઈ હતી. રસ્તાની એક બાજુ વિરોધ ચાલુ રહેતાં આસપાસના એકથી દોઢ કિલોમીટરના વિસ્તારમાં વાહનોની કતારો સર્જાઈ હતી.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ અસર

ટ્રાફિક અવરોધને કારણે મ્યુનિસિપલ અધિકારીઓ અને કચેરીએ આવતા લોકોને વાહનો રસ્તાની એક બાજુ મૂકવાની ફરજ પડી હતી. અન્ય વાહનચાલકોએ પણ રસ્તા પર વાહનો પાર્ક કરતાં અવ્યવસ્થા વધી હતી. ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ થયા બાદ કેટલાક અધિકારીઓ મોડા પહોંચ્યા હતા.

આ અવરોધમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને 108 વાનને પણ ટ્રાફિકમાંથી નીકળવામાં મુશ્કેલી પડી હતી. વિરોધ બાદ મ્યુનિસિપલ કમિશનરે આગેવાનો સાથે લગભગ 20 મિનિટ બેઠક કરી હતી. મંડળે ઉઠાવેલા પ્રશ્નોનો દોઢ મહિનામાં ઉકેલ લાવવાની ખાતરી મળ્યા બાદ બેઠક પૂરી થઈ હતી.