દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરતા એકમો સામે તપાસ તેજ કરી છે. શહેરમાં આગ કે અન્ય ગંભીર દુર્ઘટનાનું જોખમ ન વધે તે માટે એસ્ટેટ વિભાગને સઘન ચકાસણી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

કાલુપુર વિસ્તારમાં તપાસ બાદ હવે દિલ્હી દરવાજા અને આસપાસના વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનો તથા અન્ય એકમોમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. AMC દ્વારા વેપારીઓ પાસેથી બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન, પોલીસ પરમિશન અને ફાયર વિભાગનું NOC સહિતની મંજૂરીઓ માંગવામાં આવી રહી છે.

પરવાનગી ન હોય તો સીલિંગ કાર્યવાહી

AMC એસ્ટેટ વિભાગને આગામી એકથી બે સપ્તાહમાં ફટાકડાના તમામ એકમોની તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જરૂરી કાયદેસર દસ્તાવેજો અથવા મંજૂરી ન ધરાવતા એકમોને નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ આવા એકમોને તાત્કાલિક અસરથી સીલ કરવાની કાર્યવાહી થશે.

આ કાર્યવાહીનો હેતુ ફટાકડાનું વેચાણ નિયમો અને સલામતી માપદંડોનું પાલન કરીને થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ચકાસણી દરમિયાન દુકાનદારોને તેમના વ્યવસાય માટે જરૂરી પરવાનગીઓ રજૂ કરવા જણાવવામાં આવી રહ્યું છે.

30 જેટલી દુકાનો સીલ

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ પાલિકાની પ્રાથમિકતા છે. નિયમો અને મંજૂરી વિના ચાલતી ફટાકડાની દુકાનો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તેમના જણાવ્યા અનુસાર, જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 30 જેટલી ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી છે. AMCની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું પાલન ન કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.