અમદાવાદમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી AMCની સંકલન સમિતિની બેઠકમાં અસારવા પાણી વિતરણ કેન્દ્રની ટાંકીમાંથી માનવ ખોપરી અને હાડકાં મળ્યા બાદ પાણીની ટાંકીઓની સુરક્ષા તથા સંચાલનનો મુદ્દો ઉઠ્યો હતો. એલિસબ્રિજના ધારાસભ્યએ ટાંકીઓ પર સામાન્ય સુરક્ષા ગાર્ડને બદલે ભૂતપૂર્વ સૈનિકો મૂકવાની અને પંપ ચલાવવા માટે લાયકાત ધરાવતા કર્મચારીઓ રાખવાની રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે પાણીની ટાંકીઓનું સંચાલન અને જાળવણી કોન્ટ્રાક્ટથી થાય છે. તેમના દાવા મુજબ, કોન્ટ્રાક્ટ હેઠળની ટાંકીઓમાં ITI પાસ ટનલ ફિટર નથી. કેટલીક જગ્યાએ ચાની કિટલી ચલાવતા લોકો અથવા બહારના લોકો પંપ ચાલુ-બંધ કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આ વ્યવસ્થાને બદલે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની માગ કરી હતી.
મકરબા બ્રિજ અને ડિઝાઇન સેલની રજૂઆત
બેઠકમાં મકરબા બ્રિજની ડિઝાઇન અંગે પણ નારાજગી વ્યક્ત થઈ હતી. બ્રિજ ચાર રસ્તા પર ઉતરતો હોવાથી ટ્રાફિકનું આયોજન મુશ્કેલ બનતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ભવિષ્યના બ્રિજ પ્રોજેક્ટમાં આસપાસનાં જંક્શન અને વાહનવ્યવહારને ધ્યાનમાં લેવા AMCમાં અલગ ડિઝાઇન સેલ બનાવવાનું સૂચન કરાયું હતું. હાઉસિંગ પ્રોજેક્ટ માટે પણ આવું અલગ એકમ રાખવાની રજૂઆત થઈ હતી.
AMCમાં 77 ક્લાસ-1 અધિકારીઓ ચાર્જ પર કામ કરતા હોવાનો મુદ્દો પણ રજૂ થયો હતો. ખાલી જગ્યાઓમાં કાયમી નિમણૂક કરવાથી કામગીરી પર પડતી અસર ઘટે તેવી માગ કરાઈ હતી. કોર્પોરેશનની હોસ્પિટલોમાં સુપરિન્ટેન્ડેન્ટની જગ્યાઓ વર્ષોથી ચાર્જ પર હોવાનો ઉલ્લેખ કરીને ત્યાં પણ કાયમી નિમણૂક કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
વેજલપુરમાં વરસાદી પાણીના નિકાલની માગ
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા માટે અલગ સ્ટોર્મ વોટર લાઇન નાખવાની માગ કરી હતી. બુટભવાનીથી શ્રેયસ કોમ્પ્લેક્સ થઈ મકરબા સુધી લાઇનનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવી, શિવરંજની, પાર્થ સ્કૂલ પાછળ, જીવરાજ ચાર રસ્તા પાસે અને રજવાડું હોટલ નજીક સોનલ રોડ પરથી પણ લાઇન નાખવાની રજૂઆત કરી હતી. પમ્પિંગ અને બૂસ્ટર સ્ટેશન ઊભાં કરવા ઉપરાંત નવા રસ્તા અને ગાર્ડન બનાવવાની માગ પણ બેઠકમાં મુકાઈ હતી.
