2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત અહેમદ બાવા સહિત 38 આરોપીઓની ફાંસીની સજા યથાવત રહી છે. ગુજરાત હાઇકોર્ટે વિશેષ અદાલતના ચુકાદાની સમીક્ષા બાદ 38 દોષિતોને અપાયેલી ફાંસી અને અન્ય 11 દોષિતોને અપાયેલી આજીવન કેદની સજા મંજૂર રાખી છે.
2008ના હુમલામાં 56 લોકોનાં મોત
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં લગભગ 70 મિનિટ દરમિયાન શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં 56 લોકોનાં મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટોમાં શહેરની સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલના વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ કેસમાં કુલ 77 આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી. ફેબ્રુઆરી 2022માં અમદાવાદની વિશેષ અદાલતે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 28 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ 38 દોષિતોને ફાંસી તથા 11ને કુદરતી જીવનના અંત સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
અહેમદ બાવા સહિત અનેક રાજ્યોના દોષિતો
અહેમદ બાવા ઉર્ફે અબુ સહિતના દોષિતો સામે આ કેસમાં ગંભીર આતંકવાદી કાવતરું અને વિસ્ફોટોમાં સંડોવણીના આરોપો સાબિત થયેલા હોવાનું અદાલતી કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું. દોષિતોમાં ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના આરોપીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો વિશેષ અદાલતના 18 ફેબ્રુઆરી, 2022ના સજા-ચુકાદા પર આવ્યો છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા અને હુમલામાં થયેલી જાનહાનિને ધ્યાનમાં રાખીને સજાઓમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે.
