અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત-તપોવન રોડ પર કેચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા વૃક્ષારોપણને લઈને કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. મૈત્રી અશોક વિહાર સર્કલથી તપોવન તરફ જતા સર્વિસ રોડના ફૂટપાથ પર કેટલીક જગ્યાએ રોપા લગાવવામાં આવ્યા છે અને તેમની આસપાસ જાળી મૂકવામાં આવી છે. જોકે, કેટલાક સ્થળે ખાડા ખોદાયેલા હોવા છતાં રોપા લગાવવામાં આવ્યા નથી, જ્યારે અન્ય જગ્યાએ રોપા હોવા છતાં જાળી મૂકવામાં આવી નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વૃક્ષારોપણ અને રોપાઓની જાળવણી માટે કેચ ફાઉન્ડેશનને પ્રતિ રોપા રૂ.3000 નિભાવ ખર્ચ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ વ્યવસ્થા હેઠળ રસ્તાની બાજુના વિસ્તારોમાં રોપા લગાવી તેમની સંભાળ લેવાની કામગીરી થવાની છે.

ગાર્ડન વિભાગનું શું કહેવું છે?

મ્યુનિસિપલ ગાર્ડન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આ રોડ પર કેચ ફાઉન્ડેશન દ્વારા ત્રણથી ચાર દિવસ પહેલાં રોપા અને જાળી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે કેટલીક જગ્યાએ અગાઉ રોડ પ્રોજેક્ટ હેઠળ ઝાડના રોપા લગાવવામાં આવ્યા હતા. તેથી ત્યાં કેચ ફાઉન્ડેશન દ્વારા ફરી રોપા લગાવવામાં આવ્યા નથી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, રોડ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા કેટલાક ઝાડ સુકાઈ ગયા હોઈ શકે છે અને તેમની જગ્યાએ કેચ ફાઉન્ડેશન દ્વારા નવા રોપા લગાવવામાં આવ્યા હોય તેવી શક્યતા છે. જ્યાં ખાડા ખાલી છે ત્યાં અલગ પ્રકારના રોપા લગાવવાના હોવાથી તે સ્થળો બાકી રાખવામાં આવ્યા હોવાનો પણ અધિકારીએ બચાવ કર્યો હતો.

કામગીરીની દેખરેખ અંગે પ્રશ્નો

સ્થળ પર અગાઉ રોડ પ્રોજેક્ટ હેઠળ વૃક્ષારોપણ થયું હોવા છતાં ફરીથી કેટલીક જગ્યાએ રોપા લગાવવાની અને કેટલીક જગ્યાએ કામ અધૂરું રાખવાની જરૂરિયાત અંગે હવે પ્રશ્નો ઊભા થયા છે. રોપા, જાળી અને જાળવણીની કામગીરી એકસરખી રીતે પૂર્ણ થઈ છે કે નહીં તેની તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.