અમદાવાદમાં સનાથલ, ઓઢવ અને કમોડ સર્કલ પાસે થયેલા ત્રણ માર્ગ અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા. ઘટનાઓમાં કન્ટેનર ટ્રક, ટ્રેલર અને પીકઅપ ડાલા સામેલ હતાં. સંબંધિત ટ્રાફિક પોલીસ સ્ટેશનોએ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના રાણપુરના 24 વર્ષીય હર્ષદકુમાર મઢવી મોરૈયાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. નોકરીએ રજા હોવાથી તેઓ મંગળવારે બપોરે ઘરેથી નીકળ્યા હતા. રાત્રે તેમના પરિવારને અકસ્માતની જાણ થઈ હતી. પરિવારના સભ્યો સનાથલથી ઉજાલા તરફના માર્ગ પર રેલવે બ્રિજ નજીક પહોંચ્યા ત્યારે હર્ષદકુમાર અને તેમના મિત્ર, સનાથલના 20 વર્ષીય શનિ રાવળનાં મૃતદેહ મળ્યાં હતાં. હાજર લોકોએ કન્ટેનર ટ્રક રસ્તા પર સલામતીના નિશાન, રેડિયમ રિફ્લેક્ટર કે ચાલુ પાર્કિંગ લાઇટ વિના ઊભી હોવાનો આક્ષેપ કર્યો હતો. હર્ષદકુમારના ભાઈએ એસ.જી.-2 ટ્રાફિક પોલીસમાં ટ્રકચાલક સાહેબખાન અજીમખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં ડુંગરપુરના વતની અને અમદાવાદમાં કડિયાકામ કરતા 22 વર્ષીય શૈલેષ રોત બાઈક પર ઓઢવ પામ હોટલથી નિકોલ રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. ટ્રેલર સાથે અથડાયા બાદ તેઓ ટ્રકના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ મામલે ‘આઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
લાંભા-નારોલના 33 વર્ષીય ભાવેશ દુધાત ખેડા ખાતેની કંપનીમાં પ્લાન્ટ મેનેજર હતા. 13 ઓક્ટોબરે તેઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર મકરબા ખાતે ઓફિસની બેઠક માટે જઈ રહ્યા હતા. કમોડ સર્કલ પાસે એસ.પી. રિંગ રોડ પર પાછળથી આવેલા પીકઅપ ડાલાએ તેમને ટક્કર મારી હતી. માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. ‘કે’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ડાલાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
