જિલ્લા અદાલતોમાં પડતર કેસોની સંખ્યાના આધારે અમદાવાદ દેશના 100 ન્યાયિક હોટસ્પોટ જિલ્લાઓમાં ચોથા ક્રમે છે. અહીં આશરે 3.6 લાખ કેસ પડતર છે. ગુજરાતમાંથી યાદીમાં સામેલ બીજો જિલ્લો સુરત છે, જ્યાં આશરે 1.3 લાખ કેસ બાકી છે અને જિલ્લો 80મા ક્રમે આવે છે. આ રેન્કિંગ દેશના સૌથી વધુ કેસબોજ ધરાવતા ન્યાયિક જિલ્લાઓને લક્ષ્ય બનાવતી કેન્દ્રની કવાયતનો ભાગ છે.

કેસોની ઉંમર અને દેશવ્યાપી બોજ

ન્યાયિક ડેશબોર્ડના આંકડા અનુસાર, અમદાવાદના પડતર કેસોમાં આશરે 5 ટકા કેસ 10 વર્ષથી વધુ સમયથી ચાલે છે. આશરે 10 ટકા કેસ પાંચથી દસ વર્ષથી પડતર છે. આ આંકડા દર્શાવે છે કે કુલ કેસસંખ્યા ઉપરાંત કેટલા સમયથી કેસો અટવાયેલા છે તેનું વિશ્લેષણ પણ અભ્યાસમાં મહત્ત્વનું રહેશે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે દેશના વધુ કેસબોજ ધરાવતા 100 ન્યાયિક જિલ્લાઓને ઓળખીને પેન્ડન્સી ઘટાડવા અભિયાન હાથ ધર્યું છે. મંત્રાલયની યાદી મુજબ, દેશની અદાલતોમાં 5.8 કરોડથી વધુ કેસ પડતર છે; તેમાંના મોટા ભાગના જિલ્લા અને અધીનસ્થ અદાલતોમાં છે. ઓળખાયેલા 100 જિલ્લાઓમાં દેશની જિલ્લા અદાલતોના કુલ બાકી કેસોમાંથી અડધાથી વધુ કેસ આવે છે. યાદીમાં ટોચના પાંચ જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લા, પશ્ચિમ બંગાળનો એક અને ગુજરાતનો અમદાવાદ જિલ્લો સામેલ છે.

GNLUનું કામ શું રહેશે?

આ પહેલ હેઠળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) અમદાવાદ અને સુરત જિલ્લા અદાલતોના અધિકારીઓ સાથે મળીને કેસોના વિલંબનું વિશ્લેષણ કરશે. GNLUના ડિરેક્ટર પ્રો. એસ. શાંથાકુમારે જણાવ્યું કે યુનિવર્સિટી પડતર કેસોનું મૂલ્યાંકન કરીને વિલંબનાં મૂળ કારણો ઓળખશે અને કેસોની સંખ્યા ઘટાડવા માટે શક્ય ઉપાયો સૂચવશે. પ્રોજેક્ટમાં ફેકલ્ટી સભ્યો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓની ટીમ જોડાશે.

મંત્રાલયની ચર્ચામાં નિરર્થક બની ગયેલા કેસોની ઓળખ, કેસનું વર્ગીકરણ, મુદત વ્યવસ્થાપન અને વૈકલ્પિક વિવાદ નિવારણ જેવા વિકલ્પો પર વિચાર થયો હતો. મધ્યસ્થીથી સમાધાન, પ્લી બાર્ગેનિંગ અને સમરી ટ્રાયલ પ્રક્રિયા પણ ચર્ચાયેલા ઉપાયોમાં હતાં. પસંદગીના જિલ્લાઓમાં જમીની સ્તરે માહિતીનું વિશ્લેષણ કરવા કાયદા યુનિવર્સિટીઓના સંશોધકો, વિદ્યાર્થીઓ અને પ્રો બોનો જૂથોની મદદ લેવાનો વિચાર પણ રજૂ થયો હતો.

પ્રો. શાંથાકુમારના જણાવ્યા પ્રમાણે, ન્યાયિક સત્તાવાળાઓ સાથેના પ્રાથમિક કામમાં પડતર કેસોમાં ફોજદારી કેસોનું પ્રમાણ વધુ હોવાનું જણાયું છે. કેટલાક કેસોમાં પક્ષકારો હાજર ન રહેતા હોય, દસ્તાવેજો ન હોય, વકીલ અથવા પ્રતિનિધિત્વની અછત હોય કે ટેકનિકલ મુશ્કેલી હોય શકે છે. કયા કારણો ક્યાં વધુ અસર કરે છે તે ચોક્કસ રીતે સમજવા માટે બંને જિલ્લાઓના કેસોનું વિશ્લેષણ કરવામાં આવશે.