અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા LC-24 મકરબા રેલવે ઓવરબ્રિજ શરૂ થયા બાદ આસપાસના માર્ગો પર સર્જાતી ટ્રાફિકની ગૂંચ દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તાત્કાલિક અને લાંબા ગાળાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. બ્રિજ શરૂ થયા પછી કોર્પોરેટ રોડ તરફના જંકશન પર વાહનોનો પ્રવાહ વધતાં પીક અવર્સ દરમિયાન કન્જેશનની સ્થિતિ સર્જાઈ હતી.
ટ્રાફિકને અલગ માર્ગોમાં વહેંચી સરળ બનાવવાના હેતુથી AMCએ જંકશન માટે ‘કેપ્સ્યુલ ડિઝાઇન’ તૈયાર કરી છે. આ ડિઝાઇનના આધારે વાહનોની અવરજવર ચેનલાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા બાદ હાલના ટ્રાફિક કન્જેશનમાં ઘટાડો જોવા મળ્યો છે.
કોર્પોરેટ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધી રોડ પહોળો થશે
ટ્રાફિક સમસ્યાનો વધુ સ્થાયી ઉકેલ લાવવા માટે કોર્પોરેટ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધીના હાલના રોડને ઉપલબ્ધ સંપૂર્ણ પહોળાઈમાં વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગ પહોળો થયા બાદ બ્રિજ પરથી ઉતરતા અને એસ.જી. હાઈવે તરફ જતા વાહનોને વધુ જગ્યા મળશે. પરિણામે જંકશન પર વાહનોના એકત્ર થવાની સ્થિતિ ઘટાડવામાં મદદ મળી શકે છે.
અગાઉના અહેવાલોમાં આ માર્ગના આશરે 450 મીટર હિસ્સાને 16 મીટરથી વધારીને 40 મીટર સુધી પહોળો કરવાની યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જોકે, હાલની કાર્યવાહી અંગે AMCની માહિતીમાં માર્ગને ઉપલબ્ધ સંપૂર્ણ પહોળાઈ સુધી વિકસાવવાની વાત સ્પષ્ટ કરવામાં આવી છે.
ડિઝાઇન કન્સલ્ટન્ટ કરશે ટ્રાફિકનો અભ્યાસ
AMCએ આ પ્રોજેક્ટના ડિઝાઇન કન્સલ્ટન્ટ DELF Consulting Engineers (India) Pvt. Ltd.ને વિસ્તારની ટ્રાફિક સ્થિતિનો ટેકનિકલ અભ્યાસ કરવા સૂચના આપી છે. કન્સલ્ટન્ટને ટ્રાફિક કન્જેશનના મૂળ કારણો, વાહનપ્રવાહની પેટર્ન અને જંકશન પર ઉભી થતી અડચણોનું વિશ્લેષણ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે.
આ અભ્યાસના આધારે તાત્કાલિક સુધારાત્મક પગલાં ઉપરાંત ભવિષ્ય માટે લાંબા ગાળાની ટ્રાફિક વ્યવસ્થા અંગે ભલામણો તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ જનહિત અને વાહનચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વધુ જરૂરી પગલાં નક્કી કરાશે.
મકરબા ઓવરબ્રિજ અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરના LC-24 ફાટકને જોડતો મહત્વનો માર્ગ છે. બ્રિજ શરૂ થયા બાદ ફાટક પરની અવરજવર સંબંધિત મુશ્કેલીમાં રાહત મળવાની અપેક્ષા હતી, પરંતુ બ્રિજના છેડે આવેલા જંકશન પર વધેલા વાહનપ્રવાહને કારણે નવી ટ્રાફિક વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ છે.
