અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બેડરૂમના ફ્લૅટમાંથી ચાલતું કથિત નકલી કૉલ સેન્ટર CBIની કાર્યવાહીમાં ઝડપાયું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, અહીંથી અમેરિકાના લોકોને વર્ચ્યુઅલ કૉલ કરીને છેતરવામાં આવતા હતા. અત્યાર સુધીની તપાસમાં લગભગ 20 અમેરિકન નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની અને તેમની પાસેથી 7.21 મિલિયન ડૉલરથી વધુ, એટલે કે આશરે 69.21 કરોડ રૂપિયા, પડાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ કથિત કૌભાંડ વર્ષ 2024થી ચાલતું હોવાનું CBIની ફરિયાદમાં જણાવાયું છે. દરોડા દરમિયાન કેટલીક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સંબંધિત સામગ્રી મળી આવી હોવાનું તપાસ અધિકારીઓએ જણાવ્યું છે. આ કેસમાં અંકિત પાંડે નામના એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. CBIની તપાસ હજુ ચાલુ છે.
વરિષ્ઠ અમેરિકનોને ડરાવીને છેતરપિંડી
તપાસ મુજબ, આરોપીઓ પહેલાં મોટી ઉંમરના અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા. ફોન પર તેમને તેમના કમ્પ્યુટર હેક થયાનું અથવા તેમના બૅન્ક ખાતામાંથી ગેરકાયદે નાણાં ટ્રાન્સફર થયાનું કહેવામાં આવતું હતું. ત્યારબાદ પોતે જાણીતી કમ્પ્યુટર કંપની, Federal Trade Commission અથવા અન્ય સરકારી અધિકારી હોવાનો દાવો કરીને તેમને ડરાવવામાં આવતા હતા.
આ પછી પીડિતોને ગિફ્ટ કાર્ડ ખરીદવા અને તેના નંબર કૉલ કરનારાઓને આપવા કહેવામાં આવતું હતું. બાદમાં તેમની પાસે રહેલી રકમને સુરક્ષિત રાખવાના બહાને ગોલ્ડ બારમાં બદલવાની સૂચના અપાતી હતી. આરોપીઓ પિકઅપ વૅન મોકલીને સોનું મેળવી લેતા અને સરકારી લૉકરમાં સોનું જમા કરાવ્યાની નકલી રસીદ મોકલતા હતા.
ટેક્સાસની બે મહિલાઓ સાથે સમાન રીત
CBIની FIRમાં ટેક્સાસની 78 વર્ષીય હેલન સાથે થયેલી છેતરપિંડીનો ઉલ્લેખ છે. તેમના કમ્પ્યુટર પર પૉપ-અપ મૅસેજ આવ્યા બાદ સ્ક્રીન બ્લૅક થઈ ગઈ હતી. મેસેજમાં આપેલા નંબર પર ફોન કરતાં તેમને પહેલાં કમ્પ્યુટર કંપનીના પ્રતિનિધિ તરીકે અને પછી Federal Trade Commissionના અધિકારી તરીકે વાત કરવામાં આવી હતી.
તેમને બૅન્ક ખાતામાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફિક મટિરિયલ માટે 4,800 ડૉલર ટ્રાન્સફર થયા હોવાનું કહી ગિફ્ટ કાર્ડ ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના નાણાંને ગોલ્ડ બારમાં ફેરવવા જણાવાયું હતું. CBI મુજબ, હેલન પાસેથી ગોલ્ડ બાર મેળવી લીધા બાદ તેમને સરકારી રસીદ જેવી દેખાતી નકલી રસીદ પણ મોકલવામાં આવી હતી.
આ જ રીતે 68 વર્ષીય માર્ક મેકલેનને પણ ફોન કરીને ચીનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત વેબસાઇટ્સ પર 9,700 ડૉલર ચૂકવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમને 450 ડૉલરના બે ગિફ્ટ કાર્ડ ખરીદવા અને પછી રકમને ગોલ્ડ બારમાં બદલવા જણાવાયું હતું. આ કેસમાં પણ પિકઅપ વૅન મારફતે સોનું મેળવી લેવામાં આવ્યું હોવાનો FIRમાં ઉલ્લેખ છે.
વર્ચ્યુઅલ કૉલ અને અમદાવાદના IP એડ્રેસ
CBIની ફરિયાદ મુજબ, અમદાવાદના કૉલ સેન્ટરમાંથી લગભગ 10 અલગ-અલગ ફોન નંબરનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ કૉલ કરવામાં આવતા હતા. તપાસમાં અમદાવાદ સાથે જોડાયેલા પાંચ અલગ-અલગ IP એડ્રેસ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
ચાંદખેડાની સોસાયટીમાં રહેતા એક પરિચિતના જણાવ્યા અનુસાર, અંકિત પાંડે અગાઉ સોસાયટીના કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. જોકે, છેલ્લા બે વર્ષથી તે મિત્રો સાથે ફ્લૅટમાં રહેતો હતો. CBIની કાર્યવાહી બાદ ફ્લૅટ સીલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
