અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટર સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ₹8,05,50,000ની ઠગાઈના કેસમાં એક વર્ષથી ફરાર આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીબભાઈ પીઠડિયાને સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધના દરવાજા ચાર રસ્તા નજીકથી તેની ધરપકડ કરી હતી. આગળની કાર્યવાહી માટે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઠગોએ ડૉક્ટરનો સંપર્ક કરી પોતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. તેમણે જેટ એરવેઝના નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ડૉક્ટરના કેનરા બેંક ખાતામાં ₹5 લાખ જમા થયાનો દાવો કર્યો હતો. આ બહાને તેમને ગંભીર ગુનામાં ફસાવવાની અને 40 દિવસ જેલમાં મોકલવાની ધમકી અપાઈ હોવાનો આરોપ છે.

શેર વેચાવી અલગ-અલગ વ્યવહારો કરાવ્યાનો આરોપ

ઠગોએ કોર્ટ અને સરકારી કચેરીના નામે બનાવટી પત્રો મોકલી ડૉક્ટર પર દબાણ કર્યું હતું. વીડિયો કૉલ દ્વારા તેમના પર સતત નજર રાખવામાં આવતી હતી, જેને ઠગોએ ‘ડિજિટલ અરેસ્ટ’ તરીકે રજૂ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડૉક્ટર પાસે ડિમેટ ખાતામાં રહેલા શેર વેચાવડાવી અને બેંક ખાતામાંથી RTGS મારફતે સાત અલગ વ્યવહારો કરાવી કુલ ₹8,05,50,000 પડાવી લેવાયા હતા.

આ કેસમાં ધરપકડ કરાયેલો અલ્તાફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સેળાવદરનો રહેવાસી હોવાનું અને હાલ સુરતના ઉન વિસ્તારમાં રહેતો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસ સર્વેલન્સ દરમિયાન મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં અલ્તાફ સામે હરિયાણાના ગુરુગ્રામ સાયબર ક્રાઈમ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ એક વૃદ્ધ ડૉક્ટર સાથે ₹3.03 કરોડની ડિજિટલ અરેસ્ટ ઠગાઈનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના કેસમાં તેની ભૂમિકા અને નાણાંના વ્યવહારો અંગેની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે.