અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરીને અંકુશમાં લેવા ક્રાઇમ બ્રાન્ચના ચાર નવા યુનિટ કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલનો હેતુ ગુનો બન્યા પછી તપાસ પૂરતી કામગીરી મર્યાદિત રાખવાને બદલે ગુનો બને તે પહેલાં જ તેને અટકાવવાનો અને સ્થાનિક સ્તરે ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો છે.

ચારમાંથી બે યુનિટે 25 સપ્ટેમ્બર, 2026થી કામગીરી શરૂ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વટવા ગામ પોલીસ ચોકી અને ઓઢવની સિંગરવા ચોકી ખાતેના યુનિટનો આરંભ કરાવ્યો હતો. બાકીના બે યુનિટ ચાંદખેડા અને બોડકદેવમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

બે કાર્યરત યુનિટ હેઠળના વિસ્તારો

વટવા ગામ યુનિટ હેઠળ વટવા, ઇસનપુર, નારોલ, GIDC વટવા, રામોલ અને ખોખરા વિસ્તાર આવરી લેવામાં આવશે. સિંગરવા ચોકી ખાતેના યુનિટ હેઠળ ઓઢવ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, સરદારનગર, બાપુનગર, રખિયાલ, અમરાઇવાડી અને ગોમતીપુર વિસ્તાર રહેશે.

ચાંદખેડા યુનિટ શરૂ થયા બાદ ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, નારણપુરા, વાડજ અને એરપોર્ટ વિસ્તાર આવરી લેવાશે. બોડકદેવ યુનિટ હેઠળ બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ અને વેજલપુર વિસ્તારનો સમાવેશ થશે.

સ્થાનિક પોલીસને સહાયક ભૂમિકા

આ યુનિટો સ્થાનિક પોલીસનો વિકલ્પ નહીં, પરંતુ તેને સહાય કરતી ક્રાઇમ બ્રાન્ચની સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરશે. સ્થાનિક માહિતી એકત્ર કરવી, નિયમિત પેટ્રોલિંગ, ગુનાહિત તત્વો પર નજર રાખવી અને જરૂરી હોય ત્યારે ઝડપી કાર્યવાહી કરવી તેમની મુખ્ય જવાબદારી રહેશે.