અમદાવાદ શહેરમાં ગુનો બને તે પહેલાં તેને અટકાવવાના હેતુથી ક્રાઇમ બ્રાન્ચની 4 નવી યુનિટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમાંથી વટવા ગામ અને ઓઢવની સિંગરવા ચોકી ખાતે આવેલી 2 યુનિટ કાર્યરત થઈ ગઈ છે. બાકીની 2 યુનિટ ચાંદખેડા અને બોડકદેવમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પહેલ હેઠળ વટવા ગામ ચોકી ખાતેની યુનિટ-1માં વટવા, ઇસનપુર, નારોલ, GIDC વટવા, રામોલ અને ખોખરા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યુનિટની કામગીરી PI જેબલિયા અને તેમની ટીમ સંભાળશે.

ઓઢવની સિંગરવા ચોકી ખાતેની યુનિટ-2 હેઠળ ઓઢવ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, સરદારનગર, બાપુનગર, રખિયાલ, અમરાઇવાડી અને ગોમતીપુર વિસ્તાર આવરી લેવાશે. આ યુનિટની જવાબદારી PI ધાખડા અને તેમની ટીમને સોંપવામાં આવી છે.

ચાંદખેડા અને બોડકદેવ યુનિટમાં આવરી લેવાતા વિસ્તાર

યુનિટ-3 ચાંદખેડા ખાતે શરૂ થશે. તેમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, નારણપુરા, વાડજ અને એરપોર્ટ વિસ્તારનો સમાવેશ થશે.

યુનિટ-4 બોડકદેવ ખાતે કાર્યરત થવાની છે. આ યુનિટ બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં કામગીરી કરશે.

નવી યુનિટોનો હેતુ નિયમિત પેટ્રોલિંગ, ગુનાહિત માહિતીનું સંકલન અને સ્થાનિક પોલીસને ક્રાઇમ સંબંધિત તપાસમાં સહયોગ આપવાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા ગુનો થયા બાદ તપાસ પૂરતી મર્યાદિત ન રહેતા પ્રતિબંધાત્મક પોલીસિંગને વધુ અસરકારક બનાવશે.