અમદાવાદના ચાંદખેડા સ્મશાન રોડ પર કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચે અકસ્માત થયા બાદ વાહનની તપાસમાં દારૂની 14 બોટલો મળી આવી હતી. ઘટના દેવનંદન હોરાઇઝન ફ્લેટ નજીક બની હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
સ્થળે પહોંચેલી પોલીસની તપાસ બાદ મામલો મોટેરા પોલીસને સોંપાયો હતો. પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. વાહન પર નંબર પ્લેટ ન હોવાથી તેના ચેસિસ નંબરના આધારે મૂળ માલિકને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.
ઘટનાસ્થળના વાઇરલ થયેલા વીડિયોમાં એક મહિલા દેખાય છે. જોકે, તે જ અકસ્માત સમયે એક્ટિવા ચલાવતી હતી કે કેમ તેની પુષ્ટિ થઈ નથી. મોટેરા પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. દારૂ ક્યાંથી આવ્યો હતો અને વાહનનો માલિક કોણ છે તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
