ગાંધીનગરથી ગરબા રમી વહેલી સવારે અમદાવાદ પરત ફરી રહેલા ચાર મિત્રોની કારને અડાલજ પાસે અકસ્માત નડ્યો હતો. ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર મહારાજા હોટલ નજીક કાર ડિવાઇડર સાથે અથડાઈ, પછી ઝાડ સાથે ટકરાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણનાં મોત થયાં છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.
મૃતકોની ઓળખ ધ્રોળવિરસિંહ રાજપાલસિંહ રાણા, આસ્થા સંજયરાજ રાઠોડ અને વૈશ્વી શશાંકભાઈ શેઠ તરીકે થઈ છે. ધ્રોળવિરસિંહ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા હતા. આસ્થા મૂળ રાજકોટનાં હતાં અને અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતાં હતાં. વૈશ્વી અમદાવાદના બોડકદેવનાં રહેવાસી હતાં. અહેવાલો અનુસાર, આસ્થા MBBSનો અભ્યાસ કરતાં હતાં.
અકસ્માનાં સ્થળે ધ્રોળવિરસિંહ અને આસ્થાનું મોત થયું હતું. વૈશ્વી અને સ્મિત નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયાં હતાં; સારવાર દરમિયાન વૈશ્વીનું મોત થતાં મૃત્યુઆંક ત્રણ થયો હતો. સ્મિતની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
અડાલજ પોલીસે તપાસ હાથ ધરી
કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ ઝાડ સાથે ટકરાઈને પલટી હતી. ટક્કરથી કારને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં કાર પૂરઝડપે હોવાની વાત સામે આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે; અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની પણ પ્રાથમિક વિગતો છે.
અકસાનની જાણ થતાં અડાલજ પોલીસનો સ્ટાફ સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. એક યુવાન ગંભીર રીતે ઘાયલ હોવાથી તેની સ્થિતિ અંગે વધુ સત્તાવાર વિગતો ઉપલબ્ધ નથી. અકસ્માત કેવી રીતે થયો અને કારચાલકે કાબૂ કેમ ગુમાવ્યો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
